ખંભાળિયાના આહિર સિંહણ ગામે પુરમાં બાળકો, વાલીઓ તણાયા

0

સ્કૂલેથી વિદ્યાર્થીઓને લઈ જતા જીવલેણ બનતી ઘટના અટકી : ગ્રામજનો દ્વારા રેસ્ક્યુ કરાયું

ખંભાળિયા તાલુકાના આહિર સિંહણ ગામ નજીકના કોઝવે ઉપરથી ગત સાંજે ભારે પુર જેવા પાણીના પ્રવાહ વચ્ચે વિદ્યાર્થીઓને ઘરે લઈને જતા તેમના વાલીઓ સાથે પાંચ વ્યક્તિઓ પૂરમાં તણાવવા લાગ્યા હતા. જાેકે ગ્રામજનો દ્વારા તાકીદે રેસ્કયુ કરવામાં આવતા આ તમામનો બચાવ થયો હતો. આ સમગ્ર બનાવા અંગે સ્થાનિક ગ્રામજનો દ્વારા જાણવા મળશે વિગત મુજબ ખંભાળિયા તાલુકાના આહિર સિંહણ ગામના પાદરમાંથી હાપા લાખાસર ગામ તરફ જવા રસ્તે આવેલા કોઝવે ઉપર ગઈકાલે સાંજના ભારે વરસાદના કારણે નદી બે કાંઠે વહેવા લાગી હતી. આ દરમ્યાન આહિર સિંહણ ગામની સરકારી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા ત્રણ વિદ્યાર્થીઓને આ પરિસ્થિતિ વચ્ચે સલામત રીતે ઘરે પરત લઈ આવવા માટે ગામના બે વાલીઓ તેમનું મોટરસાયકલ કોઝવેની એક તરફ રાખી અને ત્રણ બાળકોને લઈ અને કોઝવે ઉપરથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે શેવાળ અને લપટાણવાળા આ રસ્તે ત્રણ સંતાનો સાથે બે વડીલો પાણીમાં ખાબક્યા હતા. આ બાબત સ્થાનિક લોકોને ધ્યાને આવતા મહામહેનતે દોરડા વિગેરે સાથે રેસ્ક્યુ કરીને ત્રણ બાળકો સાથે તમામને સલામત રીતે પાણીની બહાર કાઢવામાં આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે આહિર સિંહણ નજીકનો બેઠાપુલ તથા નાલા વિસ્તારનો રસ્તો કે જે આ ગામના અનેક ખેડૂતોનો કાયમી રસ્તો છે, ત્યારે આ માર્ગ ઉપર પુલ બનાવવા માટે અગાઉ ગ્રામ પંચાયત દ્વારા અરજી કરવામાં આવી હતી. અહીં દર ચોમાસે આ પ્રકારની હાલાકીભરી પરિસ્થિતિ સર્જાતી હોય, તંત્ર દ્વારા આ ગંભીર બાબતે તાત્કાલિક નક્કર પગલાં લેવામાં આવે તેવી માંગ ગ્રામજનોની છે.

error: Content is protected !!