બીએમસી એકટ ર૬૪ અંતર્ગત મનપા તંત્રએ પુરતું સર્વે કર્યા વિના નોટિસ ફટકારી અને જવાબદારીમાંથી છટકી જવાનો પણ આક્ષેપ
જૂનાગઢ શહેરમાં જર્જરીત અને ભયજનક બિલ્ડીંગોને ઉતારી લેવા માટેની મહાનગરપાલિકા દ્વારા જે તે મકાન માલિકોને નોટિસો ફટકારવામાં આવી છે. જેને લઈને શહેરમાં અનેકવિધ ચર્ચાઓ ઉઠવા પામી છે. એક એવી પણ ફરિયાદ ઉઠવા પામી છે કે, મનપા તંત્રએ જવાબદારીમાંથી છટકી જવા માટે નોટિસો આપી દીધી હતી અને કામગીરીપુર્ણ થઈ હોવાનો સંતોષ માની લીધો હોય તેવું લાગે છે. પરંતુ બીજી તરફ મનપાની ભયજનક મકાન અંગેની નોટીસોનો કેટલાક મકાન માલીકો કે જે સરકારી કાયદાઓના અર્થઘટનાને કારણે ભાડુતો પાસેથી પોતાની જગ્યા ખાલી કરાવી શકતા ન હતા તે લોકોને જાણે મોકળુ મેદાન મળી ગયું હોય તેમ કેટલાક મકાન ધારકોએ કોઈને પુછયા વિના જ ભાડુઆતના મકાન અથવા તો દુકાનો ઉતારી લેવા માટેની કામગીરી શરૂ કરવામાં આવી હોવાના પગલે વર્ષોથી જે તે મકાન અથવા દુકાન ધરાવતા લોકોમાં ખળભળાટ મચી જવા પામેલ છે. એટલું જ નહી જર્જરીત અને ભયજનક જે બિલ્ડીંગ હોય અથવા તો જે ભાગ ઉતારી લેવાની અગત્યતા હોય તે ભાગ કોઈ મોટી દુર્ઘટના બને તે પહેલા ઉતારી લેવો તે સૌના હિતની વાત છે અને આ કામગીરીમાં મનપા તંત્ર અથવા તો જે તે મકાન માલિકોને સાથસહકાર આપવો તે માનવતાની કામગીરી ગણાશે. પરંતુ ભયના ઓથાળના બહાના વચ્ચે ભાડુતને યેનકેન પ્રકારે ખાલી કરાવી નાખવામાં આવી રહ્યા હોવાના ચોંકાવનારા કિસ્સા બહાર આવ્યા છે. ત્યારે કોઈ ઉતાવળ્યું પગલું ભરી અને કોઈ મકાન માલિક તેઓના ભાડુત અથવા દુકાન ધરાવતા વ્યકિત જે જગ્યા વાપરે છે તે સુરક્ષીત હોવા છતાં મકાન માલિક દ્વારા પોતાની મેળે આવી દુકાન અને મકાન ખાલી કરાવવા માટેની અને બાંધકામ તોડી પાડવાની પ્રવૃતિ કરશે તો તેની સામે કાનુની રાહે કાર્યવાહી કરવામાં આવે તેવા નિર્દોષે મળી રહ્યા છે.
જૂનાગઢ શહેરમાં તાજેતરમાં એટલે કે ગત સોમવારે દાતાર રોડ ઉપર કડીયાવાડના નાકા પાસેનું એક બિલ્ડીંગ ધરાશાયી બન્યું અને આ બિલ્ડીંગ તુટી પડવાની ઘટનામાં એક જ પરિવારના ચાર વ્યકિતઓના જાન ગુમાવ્યા છે. તેને લઈને હાહાકાર મચી જવા પામેલ છે. આ ઘટનાના ઘેરાપ્રત્યાઘાતો પડયા છે. દરમ્યાન ચોમાસા પહેલા નોટીસો મારીને જાણે કામ સંપુર્ણ થઈ ગયું હોય તેવા સંતોષના ઓડકાર સાથે સુસુપ્ત અવસ્થામાં રહેલું મનપા તંત્ર હરકતમાં આવી ગયું છે અને જર્જરીત મકાનો ઉતારવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. શહેરમાં જર્જરીત મકાનો અંગે વહેલી તકે ઉતારી લેવા અને જાે કોઈ દુર્ઘટના ઘટશે તો તેના જવાબદાર જે તે મકાન માલિક રહેશે તેવી નોટીસો સાથે મનપાએ બીએમસી એકટ ર૬૪ અંતર્ગત જે તે આસામીને નોટીસ ફટકારી છે. ત્યારે આવી આ નોટીસનો જૂનાગઢ શહેરમાં દુરઉપયોગ થઈ રહ્યો હોવાના ચોંકાવનારા અહેવાલો પ્રાપ્ત થયા છે. જૂનાગઢના જાણીતા એડવોકેટ અને કાનુની નિષ્ણાંત કિરીટભાઈ સંઘવીએ આજે જણાવ્યું હતું કે, મનપા દ્વારા જર્જરીત મકાન અંગેની નોટીસો ફાળવ્યા બાદ કેટલાક મકાન માલિકો હરકતમાં આવી ગયા છે અને વર્ષોથી જે મકાનો અને દુકાનો ખાલી કરી શકતા ન હતા તે આ નોટીસના પ્રતાપે પોતાની જગ્યા ખાલી કરવા ઉતરી આવ્યા છે. આવા કેટલાક કેસો અમારી પાસે આવ્યા છે. આ જે કેસો અમારી પાસે આવ્યા છે તેમાં જે તે મકાન માલિકની જગ્યામાં દુકાન અથવા તો મકાન ભાડા પેટે મેળવનાર લોકોનું કહેવું એમ છે કે, જર્જરીત ગણાતી બિલ્ડીંગમાં કેટલોક ભાગ જ ખરાબ હાલતમાં છે અને આ ભાગ ઉતારી લેવા માટે કાર્યવાહી થાય તો તેની સામે અમોને કોઈ વાંધો નથી પરંતુ દાખલા તરીકે ત્રણ માળનું બિલ્ડીંગ હોય અથવા તો બે માળનું બિલ્ડીંગ હોય તેમાં ઉપરનો માળ ખરાબ થઈ ગયો હોય તો તે ઉતારવો જાેઈએ પરંતુ નીચેનો ભાગ સંપુર્ણપણે સુરક્ષીત હોય કોઈજાતની ખરાબી ન હોય તો તેને પણ લીલા ભેગું સુકું બળી જાય તેમ મકાન માલિક આવા ભાગને તોડી પાડી અને પોતાની જગ્યા કબ્જે કરવાનો કારશો કરી રહ્યા છે. તેવી વ્યાપક ફરિયાદો ઉઠી છે. દરમ્યાન જૂનાગઢ શહેરના કડીયાવાડના નાકે મકાન તુટી પડયું અને ચાર લોકોએ જાન ગુમાવ્યા છે ત્યારે ભારે કાગારોડ મચી ગઈ છે અને એવા સંજાેગોમાં મનપા તંત્ર જર્જરીત મકાન પડવાની કામગીરી હાથ ધરી છે અને પોતાની જવાબદારીમાંથી છટકી જવા માટે અમોએ નોટીસ આપેલી છે તેવું ગાણું ગાય રહેલ છે. દરમ્યાન મનપા તંત્ર દ્વારા જે નોટીસો પાઠવવામાં આવી છે તે અંગે એડવોકેટ કે.બી. સંઘવીએ જણાવ્યું હતું કે, જૂનાગઢ મનપા તંત્રએ પોતાની જવાબદારીમાંથી છટકી જવારૂપ જે કાર્યવાહી થઈ છે અને જે નોટીસો પાઠવવામાં આવી છે તેમાં કોઈપણ જાતનો ઉલ્લેખ નથી. કોઈ ટેકનિકલ નિષ્ણાંત માણસો દ્વારા સર્વે થયો નથી. એટલું જ નહી જે તે મકાનનો કયો ભાગ કે કયો હિસ્સો જર્જરીત છે તેઓ કોઈ ઉલ્લેખ જ નથી. માત્રને માત્ર બીએમસી ર૬૪ અંતર્ગત નોટીસો ફટકારવામાં આવી છે અને આવી નોટીસો બાદ જે તે મકાનો કે ઈમારતોને ઉતારવા અંગેની કોઈ હિલચાલ થઈ નથી પરંતુ આ નોટીસોના બહાના હેઠળ કેટલાક સ્થળોએ જે તે મકાન માલિકો જ પોતાની મેળે મકાનો અને દુકાનો ઉતારવા લાગી ગયા છે. તેઓને ઉદેશ એટલો જ છે કે, કોઈપણ ભોગે તેઓએ ભાડા પટ્ટે આપેલું મકાન કે દુકાનની જગ્યા ખાલી કરાવી અને પોતાનો સ્વાર્થ સાધી લેવો અને આવું ષડયંત્ર હાલ જૂનાગઢ શહેરમાં ચાલી રહ્યું છે ત્યારે તેની સામે વિરોધ વ્યકત કરવામાં આવી રહેલ છે અને આવા મકાન માલિકની શાન ઠેકાણે લાવવા માટે કાનુની જંગના મંડાણ નિશ્ચિત મનાઈ છે.