મધ્યાહન સમયે ઠાકોરજીની ઉત્સવ આરતી
પુરષોત્તમ માસ દરમ્યાન દ્વારકાધીશ મંદિરમાં ઊજવાતા ઉત્સવ પૈકી ભગવાન વિષ્ણુજીના જ સ્વરૂપ એવા મર્યાદા પુરૂષોત્તમ ભગવાન શ્રી રામનો જન્મોત્સવ ઉજવવામાં આવ્યો હતો. ઠાકોરજીને ભગવાન શ્રીરામ જેવો અલભ્ય શ્રૃંગાર કરવામાં આવ્યો હતો જેના દર્શન મનોરથનો હજારો ભાવિકોએ લાભ લીધો હતો. દ્વારકાધીશના ત્રૈલોક્યસુંદર મંદિરમાં રામલલ્લાના જન્મોત્સવને વધાવવા ષોડશોપચાર વિધિથી મંત્રોચ્ચાર અને અભિષેક પૂજન સાથે કાળિયા ઠાકોરને શંખ, ચક્ર, ગદા, પદ્મ સાથે ભગવાન શ્રીરામ જેમ ધનુષ્ય બાણ તેમજ સિલ્કના પીતામ્બર અને કિરીટ મુગુટ ધારણ કરાવી શ્રી રામ સ્વરૂપનો શ્રૃંગાર મનોરથ યોજવામાં આવ્યો હતો. બપોરે ૧ર કલાકે શ્રીરામના જન્મસમયે દ્વારકાધીશની વિશિષ્ટ ઉત્સવ આરતી કરવામાં આવી હતી. રામલલ્લાના જન્મ બાદ પૂજારી પરિવાર નિજમંદિરમાં હર્ષોલ્લાસ સાથે નાચી જન્મોત્સવને વધાવ્યો હતો. જગતમંદિરમાં રામ જન્મોત્સવ નિમિત્તે ભાવિકોમાં પંજરી સહિત પ્રસાદનું વિતરણ કરાયું હતું.