ગીર સોમનાથના વેરાવળ તેમજ તાલાલા તાલુકામાં જમીન ધોવાણ અંગે સર્વેની કામગીરી

0

કુલ ૧૫ ટીમો દ્વારા દેદા, સોનારિયા, માધુપુર વગેરે ગામમાં થઈ રહ્યો છે સર્વે

ગીર સોમનાથ જિલ્લામાં તા.૧૮ થી તા.૨૦ જુલાઈ દરમ્યાન પડેલ ભારે વરસાદ તથા હિરણ અને દેવકા નદીમાં ઉભી આવેલ પૂરની પરિસ્થિતિના કારણે કેટલાક વિસ્તારો ખાસ કરીને નીચાણવાળા વિસ્તારોમાં ખેતરોમાં પાણી ભરાઈ જવાની સાથે જમીન ધોવાણની પરિસ્થિતિ ઉભી થઈ છે. જેથી તાલાલા તેમજ વેરાવળ તાલુકામાં તંત્ર દ્વારા સર્વે શરૂ કરવામાં આવ્યો છે. જિલ્લા વિકાસ અધિકારી રવિન્દ્ર ખતાલેના માર્ગદર્શન અને સૂચન દ્વારા તાલાળા અને વેરાવળ તાલુકાના દેદા, સોનારિયા, માધુપુર વગેરે ગામોમાં જમીન ધોવાણનો સર્વે ચાલી રહ્યો છે. જેના માટે કુલ ૧૫ ટીમો સર્વેની કામગીરી કરી રહેલ છે. આ ટીમમાં મદદનીશ ઈજનેર અને અધિક મદદનીશ ઈજનેરનો પણ સમાવેશ થાય છે. જિલ્લાનો અંદાજીત કુલ વાવેતર ખરીફ-૨૦૨૩ ઋતુમાં ૧,૪૭,૭૨૪ હેક્ટર થયેલ છે. જેમાં મુખ્ય પાકો મગફળીનું કુલ ૭૭,૭૮૦ હેક્ટર, સોયાબીનનું ૩૩,૭૧૭ હેક્ટર અને કપાસ પાકનું ૧૬,૯૪૭ હેક્ટર તથા અન્ય પાકોનું વાવેતર થયેલ છે. હાલ ખેતરોમાં પાણી ભરાયેલ હોઈ પાક નુકશાનીનું આકલન થઈ શકતું નથી આથી પાણી ઓસર્યા બાદ પાક નુકશાની અંગે કાર્યવાહી થશે તેમ જિલ્લા ખેતીવાડી અધિકારીઆએ જણાવેલ છે.

error: Content is protected !!