જૂનાગઢના વિવિધ ધાર્મિક સ્થળો ઉપરાંત ભવનાથને જાેડતી સીધી સેવા શરૂ થાય તો ભાવિકોને ખુબ જ રાહત થશે
જૂનાગઢ શહેરના લોકોને ધાર્મિક સ્થળોના દર્શનનો લ્હાવો મળી શકે તેમજ શહેરના મુખ્ય મથક ખાતેથી જૂનાગઢ અને આસપાસના વિસ્તારોમાં આવતા ધાર્મિક સ્થળો માટે એક સ્પેશ્યલ બસ સેવા શરૂ કરવામાં આવે તેવી લાગણી અને માંગણી ભાવિક જનતામાં ઉઠવા પામી છે. આ બાબતે જૂનાગઢ શહેરનું મનપા તંત્ર અથવા તો એસટી વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરે તેવી અપેક્ષા રાખવામાં આવી છે.
અધિક પુરૂષોતમ માસના પવિત્રો દિવસો દરમ્યાન જૂનાગઢ શહેર અને જીલ્લાભરમાં અનેકવિધ ધાર્મિક કાર્યક્રમો ચાલી રહ્યા છે. અધિક પુરૂષોતમ માસને પુરો થવામાં હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે અને ત્યાર બાદ ભગવાના ભોળાનાથને ભજવાનો અવસર એટલે કે શ્રાવણ માસના પવિત્ર દિવસો શરૂ થવાના છે અને દેવાધીદેવ ભગવાન શીવજીની ભકિતમાં ભાવિકો લીન બની જશે અને અનેક ધાર્મિક કાર્યક્રમો યોજાનાર છે. દરમ્યાન અધિક પુરૂષોતમ માસ અને શ્રાવણ માસ દરમ્યાન ધાર્મિક કાર્યો અને પુણ્ય કાર્યો સતત થતા હોય હવે જયારે નજીકના દિવસોમાં શ્રાવણ માસનું આગમન થવાનું છે ત્યારે લોકો દેવ દર્શન માટે વિવિધ સ્થળોની મુલાકાત લેતા હોય છે. જૂનાગઢ શહેરના ભાવિકજનોની લાગણી અને માંગણી છે કે, શ્રાવણ માસમાં જૂનાગઢ ખાતેથી સ્પેશ્યલ બસ સેવા પ્રાપ્ત થાય ખાસ કરીને જૂનાગઢથી ભવનાથ, ઈન્દ્રેશ્વર મહાદેવ, રામનાથ મહાદેવ, વાઘેશ્વરી માતાજી, ગાયત્રી માતાજી મંદિર તેમજ જૂનાગઢ શહેરમાં આવેલા જુદા-જુદા ધાર્મિક સ્થળોની મુલાકાત માટે આ ધાર્મિક યાત્રા રૂટની બસ શરૂ થાય અને શહેરમાં આવેલા તમામ ધાર્મિક સ્થળો કે જયાં શકય હોય ત્યાં સુધી વાહન વ્યવહાર જઈ શકે તેવા સ્થળોની યાત્રા બસ સેવા શરૂ કરવા ભાવિકોની લાગણી અને માંગણી રહેલી છે.