મૃતક મહિલાના સોનાના બુંટીયા ગુમ : લુંટ ચલાવી મોતને ઘાટ ઉતારી અજાણ્યા શખ્સો ફરાર
જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાના ચુડા ગામે એકલા રહેતા વૃદ્ધાની તેના ઘરના પાણીના ટાંકામાંથી હત્યા કરાયેલી લાશ મળી આવતા ચકચાર જાગી ઉઠી છે. વૃદ્ધાએ પહેરેલા દાગીના ગાયબ હોવાથી લૂંટના ઈરાદે હત્યા થયાની આશંકા વ્યકત કરવામાં આવી હતી. પોલીસે હત્યાનો ગુનો નોંધી ફોરેન્સિક પીએમ માટે મૃતદેહને જામનગર મોકલી આપ્યો છે. આ બનાવ અંગે પોલીસે આપેલી વિગત અનુસાર જૂનાગઢ જિલ્લાના ભેંસાણ તાલુકાના ચુડા ગામમાં જીવતીબેન બાબુભાઈ વસાણી તેમના પતિના અવસાન બાદ પાંચ વર્ષથી એકલા રહેતા હતા. અધિક માસ ચાલી રહ્યો હોય જીવતીબેન દરરોજ સવારે વહેલા ઉઠીને મંદિરે દર્શન કરવા માટે જતા હતા. પરંતુ, ગઈકાલે તેનો દરવાજાે ન ખુલતા પાડોશી તપાસ કરવા માટે ઘરની અંદર જતા જીવતીબેનના ખાટલા ઉપર અને ઘરમાં લોહીના નિશાન જાેવા મળ્યા હતા અને ઘરના પાણીના ટાંકામાં લાશ પડી હતી. પાડોશીએ આ બાબતે તેમના પુત્રને જાણ કરતા તે ચુડા ગામ દોડી આવ્યા હતા. જીવતીબહેનની લાશ પાણીના ટાંકામાંથી મળી આવ્યા બાદ તેને કાનમાં અને ડોકમાં પહેરેલા દાગીના ગાયબ હતા. ગળાના ભાગે ઈજાના નિશાન પણ જાેવા મળ્યા હતા. જેથી અજાણ્યા વ્યકિતએ લૂંટના ઈરાદે હત્યાને અંજામ આપ્યો હોવાનું મનાઈ છે. મૃતક જીવતીબહેન પતિનું અવસાન થયા બાદ ચુડા ગામમાં એકલા જ રહેતા હતા. તેમનો નાનો દીકરો અમદાવાદમાં હીરા ઘસતો હતો. જ્યારે મોટો દીકરો ભેંસાણમાં હીરા ઘસવાનું કામ કરે છે. આ મામલે ડીવાયએસપી હિતેષ ધાંધલ્યાએ જણાવ્યું હતું કે, મૃતકના ગળા અને માથાના ભાગે તીક્ષણ હથિયારોના ઘા માર્યાના નિશાનો મળી આવ્યા છે. દરમ્યાન આ બનાવ અંગે મૃતક મહિલાના ભેસાણ ખાતે રહેતા પુત્ર હરસુખભાઈ બાબુભાઈ વાસાણીની ફરિયાદના આધારે અજાણ્યા શખ્સો સામે લુંટ અને હત્યાનો ગુનો નોંધી મૃતદેહને ફોરેન્કસીક પોસ્સ્ટમોટમ માટે જામનગર ખાતે મોકલી આપેલ છે. જયારે હત્યાનો ભેદ ઉકેલવા માટે ડોગ સ્કવોડ અને એફએસએલની મદદ લઈ રહી છે. દરમ્યાન આ હત્યાનો ભેદ ઉકેલવા માટે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.