કલાકાર ડો. જગદીશ ત્રિવેદી ગુજરાતમાં કરશે રૂા. ત્રણ કરોડથી વધુનું અનુદાન
ગુજરાતના પ્રથમ હરોળના હાસ્ય કલાકાર ડો. જગદીશ ત્રિવેદી છેલ્લા કેટલાક માસથી અમેરિકા, કેનેડા સહિતના વિદેશ પ્રવાસે છે. ત્યારે તેમના દ્વારા હાસ્ય તથા કલા કાર્યક્રમો રજૂ કરી અને નોંધપાત્ર રકમ એકત્ર કરવામાં આવે છે. જે તમામ રકમ ગુજરાતની જુદી જુદી સેવા સંસ્થાઓ, હોસ્પિટલોમાં અર્પણ કરવામાં આવે છે. અમેરિકાના શિકાગો શહેરમાં આવેલા ઈટાસ્કા ખાતે સ્થિત કાલુપુર તાબેના શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે શુક્રવારે જાણીતા હાસ્ય કલાકાર ડો. જગદીશ ત્રિવેદી સાથેનો દિવ્ય કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે આ મંદિર અમેરિકાનું સૌપ્રથમ શિખરબદ્ધ મંદિર છે. આ મંદિરના રજત જયંતિ પાટોત્સવ પ્રસંગે ભારતથી ખાસ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી કૌશલેન્દ્રપ્રસાદજી અને પૂજ્ય ગાદીવાળા પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમની ખાસ ઉપસ્થિતિમાં સંતોના આશીર્વાદ બાદ ગતરાત્રે ડો. જગદીશ ત્રિવેદી દ્વારા સત્સંગ અને હાસ્યરસનો ભવ્ય કાર્યક્રમ સંપન્ન થયો હતો. જેમાં મોટી સંખ્યામાં સત્સંગીઓથી ખીચોખીચ ભરેલા સભાગૃહમાં લોકોએ ભારતમાતાના જય જય કાર સાથે મધરાત્રે રાષ્ટ્રગીત ગાઈને કાર્યક્રમ પૂર્ણ કર્યો હતો. આ પ્રસંગે ડો. જગદીશ ત્રિવેદી દંપતીને ખાસ સન્માનિત પણ કરવામાં આવ્યા હતા. જેમાં મોટી સંખ્યામાં સ્થાનિક રાજકીય આગેવાનો, ભારતીય મૂળના નાગરિકો, ગાયકો તથા કવિયિત્રી વિવિધ સમાજના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે જગદીશ ત્રિવેદીની ટૂરનો આ ૩૨ મો કાર્યક્રમ હતો. તેમજ હજુ અન્ય ૧૩ જેટલા કાર્યક્રમો પણ યોજવામાં આવનાર છે. આ તમામ ૪૫ જેટલા કાર્યક્રમો મારફતે તેમના દ્વારા એકત્ર થતું આશરે રૂપિયા ત્રણ કરોડથી વધુનું ભંડોળ ગુજરાતી શિક્ષણ તેમજ આરોગ્ય ક્ષેત્રમાં અર્પણ કરવામાં આવશે.