મનપાના ત્રણ અધિકારીઓ વોંકળાના દબાણોનો સર્વે કરવા નીકળ્યા છે અને આ અધિકારીઓ તંત્રને રીપોર્ટ આપશે પણ ખરા પરંતુ મનપા તંત્ર પાસે આવા દબાણો દુર કરવા કે દબાણ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવા માટેની નૈતિક હિંમત છે ખરી ?
પડીને પાદર થઈ ગયા બાદ કોને ગુન્હો છે ? કોનો વાંક છે ? તેના માટે થતી કાર્યવાહી કેટલે અંશે યોગ્ય ગણાય તેવો સવાલ લોકોને કરવો પડે છે અને આ અખબારના માધ્યમથી આમ જનતાને આ સવાલ પુછાયો છે કારણ કે જૂનાગઢમાં આ શહેરના કહેવાતા હિતેચ્છુએ વોંકળા ઉપર દબાણો કરી અને ગેરકાયદેસર બાંધકામોના ખડકલા કરી દીધા છે. વર્ષમાં અન્ય સમયગાળામાં તો બહૂ ફરક ન પડે પરંતુ જયારે ચોમાસાના દિવસોમાં ભારે વરસાદ થાય અને નદીઓમાં ભારે પુર આવે ત્યારે આ વોંકળા ઉપરના દબાણો જૂનાગઢ શહેરનાં લોકોના જાનને જાેખમમાં મુકી દયે તેવી ભિતી કાયમ રહેલી જ છે અને તાજેતરમાં એ સત્ય પણ પુરવાર થયું. પુર પ્રકોપમાં જૂનાગઢ શહેરમાં પાણી ફરી વળ્યા હતા ત્યારે લોકોના જીવ પડીકે બંધાઈ ગયા હતા અને તારાજીનું તાંડવ આ શહેરમાં ખેલાયું હતું અને લોકોએ મનપા તંત્ર સામે તિવ્ર આક્રોશ વ્યકત કરેલ છે જ પરંતુ લોકોની નજરમાં કંઈક કામગીરી અમે કરીએ છીએ તેવું દેખાડવા વધુ એક નાટક શરૂ થયું છે અને મનપાના ત્રણ અધીકારી હવે દબાણનો સર્વે કરવા નીકળ્યા છે. તંત્રને ખબર જ છે કે કયાં દબાણો છે. માની લો કે સર્વે થઈ ગયો અને જયાં જયાં દબાણો છે તે સામે આવી ગયા પછી તો મનપા તંત્ર વોંકળા દબાણો કરનારાઓ સામે કડક કાર્યવાહી કરી શકશે ખરૂં ? તેવો સવાલ પણ ઉઠવા પામ્યો છે.
તાજેતરમાં ભારે વરસાદ અને ત્યાર બાદ પુર પ્રકોપની સ્થિતીમાં જૂનાગઢ શહેર બેટમાં ફેરવાઈ ગયું હતું અને લોકોને પારાવાર નુકશાનીનો માર સહન કરવો પડયો છે. અને મનપા તંત્રની બેદકારીની પોલ ખુલી ગઈ છે. પ્રિમોન્સુન કામગીરી અગાઉથી કરવામાં મનપાનું તંત્ર બેદકારી પુરવાર થયું છે. તો બીજી તરફ ચોમાસા પહેલા જ શહેરમાં આવેલા જર્જરીત ઈમારતો અને બિલ્ડીંગોને ઉતારી લેવાની કામગીરીમાં પણ આ તંત્ર બેદકારી રહ્યું છે અને જેના કારણે નોટીસો માર્યા પછી પણ કાર્યવાહી ન કરવાને કારણે એક હસ્તા રમતા પરીવારનો માળો વિખાય ગયો છે તો
બીજી તરફ પુરની અસામાન્ય પરિસ્થીતીમાં સૌથી મોટુ જાે જૂનાગઢને કોઈ નડતર થયું હોય અને ભારે પુર અને પુરપ્રકોપની જેમ સ્થિતી સર્જાણી હતી તેને માટે તંત્ર જવાબદાર છે તેમજ જૂનાગઢ શહેરના વોંકળાના દબાણો પણ એટલા જ જવાબદાર છે આ દબાણ કરનારાઓએ પોતાના સ્વાર્થ સિવાય બીજુ કંઈ વિચાર્યુ નથી તેવી નગરજનો ફરીયાદ કરી રહ્યા છે અને હવે તો છડેચોક બોલી રહયા છે.
બીજી તરફ જૂનાગઢ મનપા તંત્ર, તેમના સતાધીશો અને જે તે કોર્પોરેટરો પણ જાણે છે કે જૂનાગઢ શહેરમાં કયાં અને કઈ જગ્યાએ વોંકળા ઉપર દબાણો થયા છે. આ દબાણો કોણે કર્યા છે અને તે અંગેનો આખો ઈતિહાસ જાણવા છતાં મનપા તંત્ર દ્વારા ફરી એકવાર વોંકળા ઉપરના દબાણો અંગેનો સર્વે હાથ ધરી વધુ એક નાટક સર્વે કામગીરીનું ખેલવામાં આવી રહયું છે તેમ લોકો
બોલી રહયા છે.