કલ્યાણપુર પંથકના ગઈકાલે સોમવારે એલસીબી પોલીસે કરેલી જુગાર દરોડા અંગેની કાર્યવાહીમાં પાંચ શખ્સોને રૂા.૧.૦૬ લાખના મુદ્દામાલ સાથે ઝડપી લેવામાં આવ્યા હતા. આ પ્રકરણમાં બે આરોપીઓની શોધખોળ હાથ ધરવામાં આવી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લા એલસીબી પોલીસ દ્વારા જાહેર કરવામાં આવેલી વિગત મુજબ કલ્યાણપુર તાલુકામાં એલસીબી ટીમના એ.એસ.આઈ. સજુભા જાડેજા તથા હેડ કોન્સ્ટેબલ જેસલસિંહ જાડેજાની બાતમીના આધારે એક મંદિર પાસે રહેલા જુના ખંઢેરમાં જાહેરમાં બેસી અને જુગાર રમી રહેલા ઇન્દ્રસિંહ બચુભા જેઠવા, ધીરુ કારા વાઢેર, દેવા ખેતા વાઢેર, કારા ઘુસા કેશવાલા અને નારણ નાથા ગોજીયા પાંચ શખ્સોને ઝડપી લેવામાં આવ્યા હતા. આ સ્થળેથી રૂપિયા ૧૩,૦૫૦ રોકડા તથા રૂપિયા ૮,૫૦૦ ની કિંમતના પાંચ મોબાઈલ ફોન ઉપરાંત રૂપિયા ૮૫ હજારની કિંમતના ત્રણ મોટરસાયકલ મળી, કુલ રૂપિયા ૧,૦૬,૫૫૦ નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. આ પ્રકરણમાં રાજપરા ગામના રાજુ રામા મોઢવાડિયા અને શેઢા ભાડથર ગામના ડાડુ માલદે આહીરની શોધખોળ હાથ ધરવામાં આવી છે. જે અંગેની વિધિવત ફરિયાદ એ.એસ.આઈ. અરજણભાઈ મારૂએ કલ્યાણપુર પોલીસમાં નોંધાવી છે.