ખંભાળિયામાં આવેલા હિન્દુ સ્મશાનની ઈલેક્ટ્રીક ભઠ્ઠી છેલ્લા ઘણા સમયથી બંધ હોય, આનાથી થતી હાલાકી અંગે અવારનવાર તંત્ર સમક્ષ રજૂઆતો કરવામાં આવ્યા છતાં પણ લાંબા સમયથી પડતર રહેલા આ પ્રશ્નનું નિરાકરણ ન આવતા સ્મશાન યાત્રામાં આવતા લોકો સાથે પ્રબુદ્ધ નાગરિકોમાં કચવાટની લાગણી જાેવા મળી રહી છે. ખંભાળિયા શહેરમાં દ્વારકા ગેઈટ વિસ્તારમાં આવેલા હિન્દુ સ્મશાનમાં આજથી આશરે ૧૦-૧૨ વર્ષ પૂર્વે લાખો રૂપિયાના ખર્ચે અદ્યતન સુવિધા વારી ઈલેક્ટ્રીક ભઠ્ઠી બનાવવામાં આવી હતી. નગરપાલિકાના તત્કાલીન પ્રમુખ દિનેશભાઈ દતાણીના સમયમાં સુવિધા સભર રૂમ તેમજ અંતિમવિધિ માટે ઈલેક્ટ્રીક સ્મશાન તથા આ અંતિમવિધિ ઓનલાઈન (લાઈવ)જાેઈ શકાય તે માટે ની વાઇફાઇ સુવિધા પણ જે-તે સમયે પ્રાપ્ય બનાવવામાં આવી હતી. પરંતુ આ ઈલેક્ટ્રીક સ્મશાન ઘણા સમયથી બંધ છે. તેનું રીપેરીંગ પણ અવારનવાર કરવા છતાં આ ઈલેક્ટ્રીક ભઠ્ઠી ચાલુ થઈ શકી નથી. આ ઈલેક્ટ્રીક સ્મશાનની મશીનરી પણ બગડી ગઈ હોવાથી હાલ ચોમાસાના સમયમાં લોકોને તેમના દિવંગત સ્વજન માટે ઈલેક્ટ્રીક સ્મશાનનો લાભ મળી શકતો નથી. આ વચ્ચે ઉલ્લેખનીય છે કે અગાઉ ઈલેક્ટ્રીક સ્મશાનનો ચાર્જ રૂા.૫૦૦ હતો. જ્યારે હાલ લાકડાથી અંતિમ વિધિ કરવાનો ચાર્જ રૂા.૧,૫૦૦ છે. જે તમામ લોકોએ ચૂકવવો પડે છે. આ વચ્ચે હાલ ચોમાસામાં લાકડા ભેજવાળા હોય ત્યારે હાલાકી બેવડાઈ જાય છે. ઇલેક્ટ્રીક સ્મશાનમાં જાણકાર ટેકનિશિયન કે આવા કર્મચારી ના અભાવે ઈલેક્ટ્રીક સ્મશાન વારંવાર બગડી જતું હોવાનું કહેવાય છે. એટલું જ નહીં, અવારનવાર રીપેરીંગમાં પણ લાખો રૂપિયા ચૂકવાયા છે. પરંતુ ઇલેક્ટ્રીક સ્મશાનની સેવાઓ હાલ લઈ શકાતી નથી. ત્યારે ઈલેક્ટ્રીક સ્મશાન શરૂ થવા માટે ક્યુ ગ્રહણ નડે છે તેવો પ્રશ્ન નગરજનોમાં પૂછાઇ રહ્યો છે.