માંગરોળ નગરપાલિકામાં રોજમદાર સફાઈ કામદારોનો કોન્ટ્રાકટ પધ્ધતિમાં સમાવેશ તેમજ કોન્ટ્રાકટ બેઈઝ સફાઈ કર્મીઓને એજન્સી દ્વારા નિયમિત પગાર ચુકવવામાં ન આવતો હોવાના આક્ષેપ સાથે સફાઈ કામદારોએ ચીફ ઓફીસરને આવેદન પાઠવી “પગાર નહીં તો કામ નહીં” એમ સ્પષ્ટ જણાવી કામ બંધ કરવાની ચિમકી આપી છે. રજુઆતમાં જણાવ્યું છે કે, ન.પા.ના રોજમદાર સફાઈ કામદારોને કોન્ટ્રાકટના હવાલે મુકી દેવાતા સફાઈ કર્મીઓનું શોષણ થઈ રહ્યું છે. એજન્સી દ્વારા બે મહીનાથી પગાર ન થયો હોવાનું જણાવ્યું હતું. તમામ કર્મીઓનો એક સાથે પગારને બદલે કેટલાકનો પગાર થાય તો કેટલાકને થોડાક દિવસ પછી પગાર ચુકવાતો હોવાનું પણ જણાવાયું છે. પગારનું કહેવામાં આવે તો કામ કરવું હોય તો કરો નહીં તો ઘરભેગા થાવ તેવો ઉધ્ધત જવાબ આપવામાં આવતો હોવાનો આક્ષેપ કરાયો છે. આ ઉપરાંત લઘુતમ વેતન અધિ. હેઠળ દૈનિક વેતનથી કામ કરતા શ્રમયોગીઓના દૈનિક વેતન દરોમાં ૧/૪/૨૩થી સુચિત નવા સુધારાઓ જાહેર કરવામાં આવેલ છે. જેમાં કુશળ કામદારોને પ્રતિદિન દૈનિક વેતન રૂા.૪૭૪, અર્ધકુશળને ૪૬૧ તેમજ બિનકુશળ કામદારોને રૂા.૪૫૨ જાહેર કરવામાં આવેલ છે. શ્રમયોગીઓના પગારોમાં આ નવા સુચિત દરોનો અમલ કરવા પણ માંગણી કરી છે.