“આઝાદી કા અમૃત મહોત્સવ”ની પૂર્ણાહુતિને વધુ ભવ્ય અને યાદગાર બનાવવા આજથી શરૂ કરી આગામી ૩૧ ઓગષ્ટ સુધી સમગ્ર દેશમાં “મારી માટી, મારો દેશ – માટીને નમન, વીરોને વંદન” અભિયાન હાથ ધરી વીરોને સમર્પિત જુદા જુદા કાર્યક્રમો યોજાશે ત્યારે રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકામાં આવેલ સુપ્રસિધ્ધ યાત્રાધામ વીરપુર ખાતે દેશના વીર સપૂતોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે જુદા જુદા કાર્યક્રમો યોજાયા હતા.
જેમાં વીર શહીદોને નમન સાથે અંજલિ અર્પણ કરીને ‘‘શિલાફલકમ’’નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ‘‘શિલાફલકમ’’ના લોકાર્પણ બાદ ‘‘વસુધા વંદન’’ કાર્યક્રમ હેઠળ અમૃત વાટિકામાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. અમૃતકળશમાં ગામની માટીને એકત્ર કરી દીપ પ્રજવલિત કર્યા બાદ ‘‘પંચપ્રાણ પ્રતિજ્ઞા’’ લેવામાં આવી હતી. નાગરીકોએ પ્રજવલ્લિત દીપ સાથે સેલ્ફી લઈ દેશના વીર સપૂતોને યાદ કર્યા હતા.
આ કાર્યક્રમમાં ગામના સરપંચશ્રી રમેશભાઈ સરવૈયા, જિલ્લા પંચાયત સદસ્યશ્રી જનકભાઈ ડોબરીયા, ગ્રામ પંચાયતના સર્વે સદસ્યશ્રીઓ, કન્યા અને કુમાર શાળાના આચાર્યશ્રીઓ, તલાટી મંત્રીશ્રી ધર્મેશભાઈ ચાવડા, આંગણવાડીના બહેનો સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.