અસામાજીક પ્રવૃતિઓ કરનારાઓ સામે પોલીસનું સઘન ઓપરેશન : જૂનાગઢ જીલ્લા પોલીસ વડા હર્ષદ મહેતાના માર્ગદર્શન હેઠળ પંચેશ્વર સહિતના વિસ્તારોમાં કડક કાર્યવાહી
જૂનાગઢ જીલ્લા પોલીસ વડા તરીકે ચાર્જ સંભાળ્યાના ગણતરીના દિવસોમાં જ નવનિયુકત જીલ્લા પોલીસ વડા હર્ષદ મહેતાના માર્ગદર્શન અને દોરવણી હેઠળ જૂનાગઢ શહેર અને જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતી ઉપરાંત ગેરકાનુની પ્રવૃતિઓ કરનારાઓ તેમજ અસામાજીક તત્વો વિરૂધ્ધ કડક પગલા ભરવામાં આવી રહ્યા છે. જીલ્લા પોલીસ વડા તરીકે ચાર્જ સંભાળ્યાના બીજા દિવસથી જ જૂનાગઢ શહેરમાં લો એન્ડ ઓર્ડરની સ્થિતી વધુ મજબુત બને તે માટે શ્રેણીબધ્ધ પગલા લેવામાં આવી રહયા છે. ગઈકાલે જૂનાગઢ શહેરના પંચેશ્વર વિસ્તારમાં પોલીસ ટુકડીઓ દ્વારા દેશી દારૂના અડ્ડાઓ ઉપર ત્રાટકી અને દેશી દારૂનો જથ્થો ઝડપી લઈ તેનો નાશ કર્યો હતો. દેશી દારૂ વિરૂધ્ધના આ ઓપરેશનમાં જીલ્લા પોલીસ વડા હર્ષદ મહેતા જાતે ઉપસ્થિત રહયા હતા અને સાથે ડીવાયએસપી હિતેષ ધાધલીયા તેમજ તેમની સુચના માર્ગદર્શન હેઠળ પોલીસની વિવિધ ટુકડીઓએ સઘન કામગીરી કરી હતી. દેશી દારૂ વિરોધી આ ઓપરેશનમાં બુટલેગરોની મોડસ ઓપરેન્ડી સામે આવી હતી અને દારૂ બનાવવા માટે પાણી મેળવવા માટેની જે તરકીબ કરવામાં આવી હતી તે પાઈપ લાઈન શોધી કાઢીને તેનો નાશ કર્યો હતો.
જૂનાગઢ શહેરમાં ગઈકાલે સાંજથી પોલીસ કાફલો શહેરના પંચેશ્વર સહિતના વિસ્તારોમાં રિક્રુટ ફોર્સ સાથે ૧૦૦થી વધુ પોલીસકર્મીઓ સાથે દેશી દારૂના અડ્ડાઓ ઉપર ત્રાટકતા બુટલેગરો અંડરગ્રાઉન્ડ થઈ ગયા હતા. આશરે ૪૦ જેટલા સ્થળોએ પોલીસે દેશી દારૂ બનાવવાના સાધનો, દારૂ અને આથાનો નાશ કરીને કાયદેસરની કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. શહેર સહિત સમગ્ર જીલ્લામાં આ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે.
જૂનાગઢ જીલ્લા પોલીસ વડા હર્ષદ મહેતાની સુચના અને માર્ગદર્શન હેઠળ ગઈકાલે સાંજે પાંચ વાગ્યાથી ડીવાયએસપી હિતેષ ધાંધલીયા, લોકલ ક્રાઈમ બ્રાંચ, એ ડીવીઝન પોલીસ સ્ટાફ અને રીક્રુટ ફોર્સ સાથે ૧૦૦થી વધુ પોલીસકર્મીઓનો કાફલો શહેરના પંચેશ્વર વિસ્તારમાં ખાબકયો હતો. અનેક સ્થળે પોલીસે દેશી દારૂના અડ્ડાઓ ઉપર રેડ કરીને દેશી દારૂના હાટડાઓ ઉપર ધોંષ બોલાવી હતી અને દારૂની ભઠ્ઠીઓ તોડી નાંખવામાં આવી હતી. આ સાથે જ ગત સાંજથી આ ઓપરેશનમાં જીલ્લા પોલીસ વડા હર્ષદ મહેતા જાતે સ્થળ પર આવ્યા હતા અને જે તે સ્થળે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. તે તમામ સ્થળે જાતે નિરીક્ષણ કરીને કડક કાર્યવાહી કરવાના આદેશ આપ્યા હતા. પોલીસ સ્ટાફ દ્વારા આશરે ૪૦થી વધુ સ્થળે ખાલી મકાનો, અન્ય મકાનો તેમજ અવાવરૂ જગ્યાઓ ઉપર રેડ કરીને દેશી દારૂ તેમજ સેંકડો લિટર આથાનો નાશ કર્યો હતો. અને દારૂ બનાવવાના સાધનો કબ્જે કર્યા હતા.
પોલીસે મોડીરાત સુધી આ કાર્યવાહી કરી હતી. દારૂના અડ્ડાઓ ઉપર ગઈકાલે જૂનાગઢ જીલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ પોલીસ તંત્ર તુટી પડયું હતું અને ૮ હજાર લીટરથી વધારે દેશી દારૂનો નાશ કરવામાં આવ્યો હતો. તેમજ ૪ર જેટલા કેરબાઓને પણ તોડી પડાયા હતા. પોલીસની કડક કાર્યવાહી પગલાને લઈ અસામાજીક પ્રવૃતિઓ સાથે સંકળાયેલા તત્વોમાં ભારે ફફડાટ મચી જવા પામેલ છે.
જૂનાગઢ શહેર અને જીલ્લામાં અસામાજીક પ્રવૃતિઓ કરનારાઓ સામે પોલીસ દ્વારા કડક પગલાનો નિર્દેશ આપ્યો હતો અને કોઈની શેહ શરમ રાખ્યા વિના કાયદો અને વ્યવસ્થાની સ્થિતી બાબતે સંગીન પગલાઓ લેવામાં આવી રહયા છે. જીલ્લા પોલીસ વડા હર્ષદ મહેતાની સીધી દોરવણી હેઠળ અસામાજીક પ્રવૃતિઓ કરનારાઓ સામે પોલીસે જે ધોંષ બોલાવી રહી છે તેની આમ જનતામાંથી સરાહના કરવામાં આવી રહી છે.