લાખો ભાવિકોએ ગોમતી સ્નાન સાથે કાળિયા ઠાકુરના દર્શન કરી ધન્યતા અનુભવી : દ્વારકાધીશ જગતદિરમાં બિરાજતા પુરૂષોતમરાયજીના દર્શન-પૂજનનો લ્હાવો લેતા ભાવિકો
પુરૂષોતમ માસને પૂર્ણ થવામાં હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે યાત્રાધામ દ્વારકા પ્રતિદિન ભાવિકોની ભીડમાં વધારો થતો જાય છે. શનિ-રવિની રજાના દિવસોમાં ધર્મનગરી દ્વારકામાં મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડયા હતા અને વહેલી સવારે સૌપ્રથમ પુણ્ય સલીલા ગોમતી નદીમાં સ્નાન કરી કાળિયા ઠાકોરને શિશ જુકાવી જગતમંદિરમાં બિરાજતા શ્રી પુરૂષોતમરાયજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. પુરૂષોતમ માસ નિમિતે શહેરની સ્થાનીક જનતાએ પણ આજે બહોળી સંખ્યામાં ગોમતી સ્નાન કરી ધન્યતા અનુભવેલ. જગતમંદિરના ગોમતી ઘાટ પાસેથી દ્વારકાધીશના જગતમંદિરમાં જવાના છપ્પન સીડી દ્વારમાં આજે વહેલી સવારથી ભાવિકોનો મોટો સમુદાય કાળિયા ઠાકોરના દર્શન માટે આવી પહોંચેલ. બહારથી પધારેલા ભાવિકોએ જગતમંદિર પરિસરની પરિક્રમા સાથે પુરૂષોતમરાયજીના દર્શન-પૂજન કરી ભાવવિભોર બની ગયેલા. નોંધનીય છે કે છેલ્લા એક સપ્તાહ દરમ્યાન દ્વારકામાં યાત્રિકોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે.