ગુજરાતની ગૃહિણીઓ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. ટામેટા સાથે કોથમીરની આવક વધતા રિટેલ કિંમતોમાં રાહતજનક ઘટાડો થયો છે. છેલ્લા ઘણા સમયથી આસમાને પહોંચેલા ટામેટાના ભાવમાં હવે ઘટાડો આવતા ગૃહિણીઓએ રાહતનો શ્વાસ લીધો છે. ૨૦૦ રૂપિયાએ પહોંચેલા ટામેટાનો ભાવ અત્યારે ૧૨૦ રૂપિયા થયો છે. આગામી સમયમાં ટામેટાના ભાવમાં હજુ પણ ઘટાડો થાય તેવી શક્યતા જાેવા મળી રહી છે.
૨૦૦ રૂપિયાએ પહોંચેલા ટામેટાનો ભાવ ૧૨૦ રૂપિયા થયો થોડા દિવસ અગાઉ હોલસેલમાં ટામેટાનો પ્રતિ કિલો રૂા.૨૦૦ને વટાવી ગયેલો ભાવ અત્યારે જથ્થાબંધ બજારમાં ૮૦ રૂપિયા પ્રતિકિલોએ પહોંચ્યો છે. જ્યારે છૂટક બજારમાં પણ ટામેટાના ભાવમાં ઘટાડો નોંધાયો છે. છૂટક બજારમાં ટામેટાનો પ્રતિકિલો ભાવ ૧૨૦ રૂપિયાએ પહોંચ્યો છે. બજારમાં ટામેટાની આવકમાં વધારો જાેવા મળતા ટામેટાના ભાવમાં ઘટાડો જાેવા મળ્યો છે. મહારાષ્ટ્રથી ટામેટાની આવક વધવાના કારણે આ અસર જાેવા મળી રહી છે.
હોલસેલ અને રિટેલ માર્કેટમાં ટામેટાના ભાવમાં મોટો તફાવત જાેવા મળી રહ્યો છે. હોલસેલ માર્કેટમાં ૮૦ રૂપિયે જ્યારે લારી પર ૧૨૦ રૂપિયા કિલો ટામેટા વેચાઈ રહ્યા છે. હોલસેલ અને રિટેલમાં ભાવમાં ફેરક બદલ વેપારીએ પ્રતિક્રિયા આપી છે. વેપારીએ જણાવ્યું કે, હોલસેલમાં ૨૫ કિલોનું કેરેટ ફરજિયાત લેવું પડે છે. આ કેરેટમાં અનેક બગડેલા ટામેટા આવતા હોય છે. જેના કારણે તે ફેંકી દેવામાં આવ્યા છે. આ કારણે રિટેલ અને હોલસેલમાં ટામેટાના ભાવમાં તફાવત છે.
થોડા દિવસ અગાઉ ગુજરાત સહિત દેશભરમાં ટામેટાનો ભાવ બેકાબુ બન્યો હતો. ટામેટાના ભાવ ૨૦૦ રૂપિયા પ્રતિકિલોને વટાવી જતા ગૃહિણીઓમાં દેકારો બોલી ગયો હતો.
ટામેટાના ભાવમાં ભડકાથી મધ્યમ વર્ગના લોકોના ઘરમાં દેખાતા ઓછા થઈ ગયા હતા. લોકોએ ટામેટા ખાવાનું બંધ કરી દીધું હતું.