માછીમારીની સિઝનમાં પ્રારંભે જ માધવપુર નજીક ફિશિંગ કરી રહેલી માંગરોળની હોડી ઉંધી વળી જતા બે માછીમારોના મોત નિપજયાં હતાં. બનાવને પગલે માછીમારોમાં અરેરાટી પ્રસરી ગઈ છે. માંગરોળ બંદરેથી વહેલી સવારે નારણભાઈ પ્રેમજીભાઈ ભાદ્રેચાની માલિકીની ફાયબર હોડી “હનુમંતે સાગર” દરીયામાં ફિશિંગ માટે નીકળી હતી. પરંતુ માધવપુરના દરીયાકાંઠેથી આશરે ૧૦ થી ૧૨ નોટીકલ માઈલ દુર ચોમેર દરીયાના ઘૂઘવતા પાણી વચ્ચે મોજાની થપાટ લાગતા હોડી પલ્ટી મારી ગઈ હતી. પરિણામે ચારેય માછીમારોને તરતા આવડતુ હોવા છતાં પાણી સામે ઝીંક ન ઝીલી શકતા અશોકભાઈ લક્ષ્મીદાસ હોદાર(ઉ.વ.૪૧) તથા રમેશભાઈ દેવાભાઈ મચ્છ(ઉ.વ.૫૨) પાણીમાં ગરકાવ થતા તેઓના મોત નિપજયાં હતાં. જ્યારે નારણભાઈ પ્રેમજીભાઈ ભાદ્રેચા તથા વેલજીભાઈ ધનજીભાઈ સુખડીયા તરીને માધવપુર કાંઠે પહોંચ્યા હતા. મૃતક પૈકી રમેશભાઈ તો પત્ની અને બે દિવ્યાંગ પુત્રોનો એક માત્ર આધાર હોય, તદ્દન સાધારણ સ્થિતિ ધરાવતા પરિવાર પર આભ તુટી પડ્યાની સ્થિતિ સર્જાઈ છે. બનાવ અંગે જાણ થતાં ઘટના સ્થળે આગેવાનો દોડી ગયા હતા. મૃતકોનું સરકારી હોસ્પિટલે પી.એમ. કરાયું હતું. બનાવને લીધે ખારવા સમાજમાં ગમગીની પ્રસરી ગઈ હતી.