સુપ્રસિદ્ધ યાત્રાધામ પ્રાચી તીર્થ ખાતે દેવ પિતૃકાર્ય અમાસ નિમિત્તે યાત્રિકોનો ભારે ઘસારો જાેવા મળ્યો હતો. અમાસ નિમિત્તે પુરોવાહીની સરસ્વતી નદીમાં સ્નાન કરવા મોક્ષ પીપળે પાણી રેડવા માનવ મહેરામણ છલકાયો હતો. આ દિવસ નિમિત્તે મોટી સંખ્યામાં ભાવિકોએ પિતૃ તર્પણ કરવામાં આવ્યું હતું. સૌ પ્રથમ પ્રાચી તીર્થની પવિત્ર ભૂમિ ઉપરથી પસાર થતી પવિત્ર સરસ્વતી નદી વહે છે. જે જગતની એક માત્ર નદી છે જે પૂર્વદિશામાં સૂર્યની સામે વહે છે. જેથી આ પવિત્ર સરસ્વતી નદીને પૂર્વ વાહીની નદી કહેવાય છે. તેમાં સ્નાન કરવા માટે માનવ મહેરામણ ઉમટયો હતો. આ તીર્થની ભૂમિ ઉપર ધર્મરાજ યુધિષ્ઠિરે પિતૃ તર્પણ કર્યું હતું. આ તીર્થ ક્ષેત્રમાંથી પસાર થતી સરસ્વતી નદીમાં સ્નાન કરવાથી પાપમાંથી મુક્ત થાય છે અને ધર્મરાજાએ વાવેલા મોક્ષ પીપળાને પાણી રેડવાથી પિતૃ તર્પણનું કાશી કરતા પણ અન્નતગણું પુણ્ય પ્રાપ્ત થાય છે. શ્રીમદ ભાગવતપુરાણ મુજબ શ્રદ્ધકાર્ય કે મૃતક પાછળ આત્માન મુક્તિ નીમીતે કર્મકાંડ કરવામાં આવે છે. સાથે સાથે પ્રાચી તીર્થમાં મોક્ષ પીપળા નીચે ભગવાન શ્રી કૃષ્ણ એ | યદુકુળનો મોક્ષ કર્યો હતો તેમજ આ મોક્ષ પીપળા નીચે શ્રી મહાપ્રભુજી ભગવાને ઉધ્ધવને છેવટનું જ્ઞાન આપ્યું હતું. શ્રી કૃષ્ણ ભગવાન સ્વધામ પધાર્યા પછી પ્રાચીથી પસાર થતી પવિત્ર સરસ્વતી નદી કિનારે માધવરાયજી સ્વરૂપે પ્રગટ થયા હતા. જે હાલ સરસ્વતી કિનારે જાંબુડાના ઝાડ નીચે બિરાજ માન છે. હાલમાં પણ સરસ્વતી નદીમાં નવા નીર આવે એટલે સરસ્વતી નદી માધવરાયજી તેમજ લક્ષ્મીજીના ચરણ સ્પર્શકરી આગળ વધે છે. દેવ પિતૃકાર્ય અમાસ નિમિત્તે મોક્ષ પીપળે પાણી રેડી પૂજા અસના કરી ૧૦૮ પ્રદિક્ષણા ફરી બ્રાહ્મણોને યથાશક્તિ દાન દક્ષિણ આપી પુણ્યનું ભાથું બાંધે છે. તેમજ સરસ્વતી ઘાટ ઉપર અન્નપૂર્ણા માતાજી તેમજ વધેશ્વરી માતાજીનું મંદિર આવેલું છે. તેમજ સરસ્વતી નદી કિનારે અતિ પુરાણી છ છ શિવ મંદિર આવેલા છે. જેમાં વિઠલેશ્વવર મહાદેવ, દેવ દેવેશ્વર મહાદેવ, ગોવિદેશ્વર મહાદેવ, અર્જુનેશ્વર મહાદેવ, શિદ્વેસ્વર મહાદેવ અને પૃથવેશ્વર મહાદેવ મંદિરના શ્રદ્ધાપૂર્વક દર્શન કરી ધન્યતા અનુભવે છે. અમાસના પાવન દિવસ નિમિત્તે આ સરસ્વતીઘાટ ઉપર વિધિ કરવાનું અનેરૂ મહત્વ છે. જેમાં નારાયણ બલી, પ્રેત બલી, બભૃ શ્રાદ્ધ, લિલ કાર્ય, ત્રીપિંડી, સર્વે પિતૃ શ્રાદ્ધ, કાલ સર્પ યોગ, વગેરે કર્મ કાંડ વિધિ કરવામાં આવે છે. અમાસ નિમિત્તે ભાવ ભક્તિ તથા ભજનના ત્રિવેણી સંગમમાં ડૂબકી મારીને પોતાની ધન્યતા અનુભવાતા જાેવા મળે છે. ભારતભરમાંથી અમાસે સોવાર કાશી એકવાર પ્રાંચી તીર્થમાં હજારો યાત્રાળુઓ મોટી સંખ્યામાં ઉમટયા હતા અને પુણ્યનું ભાથું બાંધ્યું હતું.(તસ્વીર ઃ જાદવભાઈ ચુડાસમા)