નવા નિમાયેલા ચાર ટ્રસ્ટીઓને લોહાણા સમાજની વિવિધ પાંખના વડાઓ તથા સમગ્ર જ્ઞાતિ તરફથી સાવર્ત્રિક આવકાર
દ્વારકા લોહાણા મહાજન અને સદાવ્રત ફંડ ટ્રસ્ટ આશરે સાઈઠ વર્ષથી કાર્યરત છે પરંતુ ટ્રસ્ટનું કોઈ ચોકકસ બંધારણ અસ્તિત્વમાં ન હોવાને કારણે તેમજ છ દાયકાથી રૂઢિગત પરંપરાઓને આધિન આ ટ્રસ્ટની હાલત હાલમાં કફોડી બનતા વર્તમાન વયોવૃધ્ધ ટ્રસ્ટીઓએ સંકલન કરી નવા ચહેરાઓને તક આપવાનું નકકી કરતા અને તેવા સૂચિત નામો ચેરીટી કમિશ્કર કચેરીમાંથી મંજુર થઈ આવતા દ્વારકા શહેરમાં લોહાણા મહાજન ટ્રસ્ટની કરોડો રૂપિયાની સ્થાવર મિલ્કતોની સારી રીતે જાળવણી થઈ શકશે. જાણવા મળતી વિગતો મુજબ દ્વારકા લોહાણા મહાજનના વર્તમાન વયોવૃધ્ધ ટ્રસ્ટીઓએ સંકલન કરી ટ્રસ્ટી દીઠ એક-એક નામનું સૂચન કરીને તેનો નિયમ મુજબ ઠરાવ કરી ચેરીટી કમિશ્નરમાં રજુ કરાતા તેમાં કોઈ વાંધો નહીં જણાતા અને મંજુર થઈ આવતા દ્વારકા લોહાણા સમાજમાં ખુશીની લાગણી ફેલાઈ છે. નવા નિયુકત થયેલા ચાર ટ્રસ્ટીઓમાં કિશોરભાઈ દામજીભાઈ વિઠલાણી, જીતેશ જવાહરભાઈ દાવડા, સંજયભાઈ પ્રભુદાસ રાયઠઠા તથા હિરેન કિશોરભાઈ ગોકાણીનો સમાવેશ થાય છે. આમ લોહાણા મહાજનના વર્તમાન ટ્રસ્ટીમંડળની સંખ્યા જુના ચાર તથા તેમાં નવા ઉમેરાયેલા ચાર મળીને કુલ આઠની સંખ્યા થઈ છે. આમ ટ્રસ્ટમાં ટ્રસ્ટીની નિમણુંક બાબતે છેલ્લા કેટલાય સમયથી ચાલી રહેલા મતમતાંતરો, મતભેદો તથા અન્ય કાયદાકીય ગુંચવણોનો આ સાથે અંત આવેલ છે. નવનિયુકત ટ્રસ્ટીઓને દ્વારકા લોહાણા સમાજની વિવિધ પાંખોના વડાઓ તથા સમગ્ર લોહાણા સમાજે આવકારીને જ્ઞાતિના વિકાસ માટે તથા જ્ઞાતિની કરોડોની સ્થાવર મિલ્કતોનું નવીનીકરણ વહેલીતકે થાય તેવા પ્રયાસો કરવા સૌ જ્ઞાતિજનો અપેક્ષા રાખી રહ્યા છે.