માટીને નમન, વીરોને વંદન કરી રાષ્ટ્રીય અભિયાનમાં સહભાગી બનીએ : મંત્રી કુંવરજીભાઈ બાવળીયા
પાણી પુરવઠા, અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષાના મંત્રી તથા દેવભૂમિ દ્વારકા જિલ્લાના પ્રભારી મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના અધ્યક્ષ સ્થાને દ્વારકા ખાતે ‘મારી માટી, મારો દેશ’ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં પ્રાસંગિક ઉદ્બોધન કરતા કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં વર્ષ ૨૦૨૧ થી શરૂ થયેલી આઝાદીના અમૃત મહોત્સવની યાત્રા હેઠળ રાષ્ટ્રહિતના અનેક કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશ આગળ વધી રહ્યો છે. ત્યારે આ અભિયાનમાં તમામ નાગરિકોએ સહભાગી બની દેશને આઝાદ કરાવવામાં શહીદી વહોરનાર અનેક વીરો અને વીરાંગનાઓને વંદન કરીએ. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ૨૪૦ ગ્રામ્ય વિસ્તારોમાં મારી માટી, મારો દેશ કાર્યક્રમ યોજાયો છે. જેમાં લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો છે. આજના આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને અંહિની માટીને નમન, વીરોને વંદન કરૂ છું. જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ ગઢવીએ જણાવ્યું હતું કે, આપણે મળેલી આઝાદી ખૂબ મૂલ્યવાન છે. આઝાદી મેળવવામાં અનેક વીરો, વીરાંગનાએ બલિદાન આપ્યાં છે. આ બલિદાન આપનારા વીરો, વીરાંગનાઓને યાદ કરી માટીને નમન અને વીરોને વંદન કરવા માટેનો આ અવસર છે. આ કાર્યક્રમ અંતર્ગત વૃક્ષારોપણ, શીલાફલકમ અનાવરણ, પંચ પ્રણ પ્રતિજ્ઞા, ધ્વજવંદનના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. સ્વાગત પ્રવચન તાલુકા વિકાસ અધિકારી કે.વી. શેરઠિયા દ્વારા કરવામાં આવ્યું હતું. આ તકે સૌ મહાનુભાવોએ શિલાફલકમ અનાવરણ, પંચપ્રણ પ્રતિજ્ઞા, વસુધા વંદન વૃક્ષારોપણ તથા ધ્વજવંદન અને રાષ્ટ્રગાન ગવાયું હતું. આ તકે પ્રભારી મંત્રી સહિતના મહાનુભાવોના હસ્તે નિવૃત્ત જવાનોનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું.