સોશ્યલ મીડીયામાં ફેક એકાઉન્ટ બનાવીને ધમકી આપનાર શખ્સને દબોચી લેવાયો

0

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં રહેતી એક યુવતીના કોઇ અજાણ્યા શખ્સે તેમના નામને મળતુ આવતુ ફેક ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવી આ એકાઉન્ટમાં મેસેન્જર દ્વારા તેમની ફઇની દિકરીના ઇન્સ્ટાગ્રામ મેસેન્જરમાં ફરિયાદીના ફોટાને મોર્ફ કરી બિભત્સ બનાવી મોકલેલ. ત્યાર બાદ ફરીયાદી યુવતીના ઇન્સ્ટાગ્રામ મેસેન્જરમાં આરોપીએ બિભત્સ મેસેજ કરવા તથા ઘમકીઓ આપીને યુવતીની ઓનલાઇન જાતિય સતામણી કરી, સમાજમાં બદનામ કરવાની કોશિષ કરવા સબબ દેવભૂમિ દ્વારકા જિલ્લા સાયબર ક્રાઇમ સેલ ખાતે ફરીયાદ અરજી બાદ ભાણવડ પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરી, સાયબર ક્રાઇમ સેલને તપાસ સોંપવામાં આવી હતી.
આ પ્રકરણમાં ભાણવડના વેરાડ નાકા પાસે આઝાદ ચોક ખાતે રહેતા મોહીત લલીતકુમાર ભોગાયતા નામના ૧૯ વર્ષના વિદ્યાર્થી યુવાનની ધરપકડ કરવામાં આવી છે.
તેણે ફરીયાદીના નામને મળતુ આવતુ ફેક ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવી પોતાની ઓળખ છુપાવીને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી હતી. પરંતુ ફરીયાદીએ આ ફ્રેન્ડ રિક્વેસ્ટ એકસેપ્ટ ના કરતા, ફરીયાદીને હેરાન તથા બદનામ કરવાના ઇરાદાથી આરોપીએ ફરીયાદીના ઓરીજનલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાંથી ફરીયાદીના ફોટા ડાઉનલોડ કરી ફેસબુકમાં આવતી જાહેરાતમાં ફોટો એડીટ કરવાની લિંક પર જઇને ફરીયાદીના બે ફોટા મોર્ફ કરીને ન્યુડ ફોટો બનાવ્યા હતા. પોતે બનાવેલા ફેક ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાંથી ફરીયાદીના ફઇની દિકરીને મેસેન્જરમાં ફરીયાદીના મોર્ફ કરેલા બે ન્યુડ ફોટા મોકલી તથા ફરીયાદીના ઇન્સ્ટાગ્રામ મેસેન્જરમાં આ કામના આરોપીએ બિભત્સ મેસેજ પણ કર્યા હતા અને ધમકીઓ આપી હોવાની પણ કબુલાત કરી છે. હાલમાં આ ગુનાની આગળની તપાસ ડી.વાય.એસ.પી. સમીર સારડા ચલાવી રહ્યા છે.
આ સમગ્ર કામગીરીમાં સાયબર ક્રાઇમ સેલના પી.આઈ. એ.વાય. બલોચ, હેડ કોન્સ્ટેબલ ધરણાંતભાઈ બંધિયા, મુકેશભાઈ કેશરીયા, હેમંતભાઈ કરમુર, રાજુભાઈ ઢેબાણીયા, હેભાભાઈ ચાવડા, પબુભાઈ ગઢવી તથા મુકેશભાઈ નંદાણીયા દ્વારા કરવામાં આવી હતી.

error: Content is protected !!