એક ટ્રસ્ટના સંચાલકો દ્વારા તેમની જગ્યા હોવાનો દાવો
ખંભાળિયાના પાદરમાં આવેલા વર્ષો જુના અને પ્રાચીન એવા રામનાથ મહાદેવના મંદિર સુધી જાેવા માટે પુલથી મંદિર સુધીના રસ્તાના નિર્માણ માટેનું ખાત મુહુર્ત કરવામાં આવ્યું હતું. પરંતુ આ માર્ગ ઉપર એક ટ્રસ્ટની જગ્યા હોવાનું જણાવી કામ અટકાવતા આ બાબતે ભારે ચર્ચા જાગી છે. ખંભાળિયાની રામનાથ સોસાયટી નજીક આવેલા અને અતિ પ્રાચીન એવા શ્રી રામનાથ મહાદેવના મંદિરથી રામનાથ પૂલ સુધી ૨૨ ફૂટ પહોળો સી.સી. રોડ મંજુર થતા આ માટેનું કામ શરૂ કરવા માટે આ વિસ્તારના રહીશો, મંદિરના ભક્તો તથા ટ્રસ્ટીઓ વિગેરે સાથે સંકલન કરીને ઉપયોગી અને મહત્વના એવા આ માર્ગ ઉપર પ્રથમ વખત રસ્તો બનાવવાનું શરૂ કરવામાં આવ્યું હતું. પરંતુ આ રસ્તા ઉપર એક ખાનગી ટ્રસ્ટના સંચાલકો દ્વારા તેમની જગ્યા હોવા અંગેનો દાવો રજૂ કરી અને રસ્તાનું કામ બંધ કરાવવામાં આવ્યું હતું. આ અંગે જાણવા મળતી વિગત મુજબ વર્ષ ૧૯૭૧ના જમીન સર્વેમાં નગરપાલિકા તથા સીટી સર્વેના રેકોર્ડમાં ત્યાં મંદિર હતું અને આ મંદિર સુધી પહોંચવા માટેનો રસ્તો કોઈની માલિકીનો કેવી રીતે હોઈ શકે? તેવા સવાલ વચ્ચે જાે કોઈની માલિકીનો આ રસ્તો હોય તો આશરે અડધી સદી સુધી કોઈ સંસ્થા કે ટ્રસ્ટ ચાલવા દયે..?? વધુમાં જાણવા મળતી વિગત મુજબ કોર્ટના ચુકાદાઓ અન્વયે સરકારી નિયમ મુજબ ખાનગી માલિકીની જગ્યા ઉપર ૧૨ વર્ષ કરતા વધુ સમયથી જાે રસ્તો હોય તો તે રસ્તો બંધ ન કરી શકાય. ત્યારે આ માર્ગ તો આશરે ૫૦-૬૦ વર્ષથી કાર્યરત જ છે જ્યાં નવો રસ્તો બનાવવામાં આવી રહ્યો છે. આ બાબતે નગરપાલિકાના ચીફ ઓફિસર તથા ઇજનેર દ્વારા પણ તપાસ કરી અને રેકોર્ડ ચકાસવા સહિતની કામગીરી હાથ ધરવામાં આવી છે. ૧૯૭૩ માં મંદિર તથા તેના રસ્તા હતા તેવું સ્થાપિત પણ થઈ ગયું હોવાનું જાણવા મળ્યું છે. દર શ્રાવણ માસમાં પ્રાચીન એવા રામનાથ મહાદેવના મંદિર ખાતે ખૂબ મોટી સંખ્યામાં શિવભક્તો નિયમિત રીતે દર્શન તથા પૂજન માટે આવે છે. ત્યારે નવા બનતા આ રસ્તાના કામને અટકાવવામાં આવતા શિવ ભક્તો તેમજ આ વિસ્તારમાં રહેતા રહીશોમાં પણ કચવાટની લાગણી જાેવા મળી રહી છે.