ખંભાળિયામાં જિલ્લા કક્ષાની સિવિલ હોસ્પિટલમાં સ્ટાફની અછત : તંત્ર સામે રોષ

0

રાજ્યના છેવાડાના જિલ્લા એવા દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા ખાતે આવેલી સરકારી સિવિલ હોસ્પિટલમાં સારવાર લેતા દર્દીઓ માટે સ્ટાફની અછત હોય, આ મુદ્દે દાખલ થતા દર્દીઓમાં રોષની લાગણી જાેવા મળી રહી છે. ખંભાળિયામાં આવેલી સિવિલ હોસ્પિટલ કે જે જિલ્લાની એકમાત્ર મોટી સરકારી હોસ્પિટલ છે, અહીં ૧૫૦ પથારી સાથેની સુવિધા વચ્ચે અહીં દાખલ થતા દર્દીઓ માટે જૂના મહેકમ મુજબનો સ્ટાફ સેવામાં છે. વર્ષો અગાઉ અહીં ૯૦ બેડની શરૂ થયેલી આ સરકારી હોસ્પિટલમાં બેડની સંખ્યા વધારીને ૧૫૦ કરાતા જિલ્લાના તમામ ગામોમાંથી અહીં સારવાર અર્થે દાખલ થતાં દર્દીઓ માટે અગાઉ મંજૂર કરેલો ૯૦ બેડ મુજબનો સ્ટાફ કાર્યરત હોય, દર્દીઓની સવલતો તથા સારવાર માટે સ્ટાફને વ્યાપક પરેશાની થતી હોવાનું જાણવા મળ્યું છે. અહીં કાર્યરત સ્ટાફને વધુ પડતો વર્કલોડ થતો હોવા સાથે સફાઈ સહિતના કામો માટે પણ પૂરતો સ્ટાફ ન હોવાનું ચિત્ર જાેવા મળી રહ્યું છે. જિલ્લાના મુખ્ય મથક ખાતે આવેલી અને સૌથી મોટી એકમાત્ર આ સરકારી હોસ્પિટલમાં ૨૪ કલાક ઇમર્જન્સી સેવાઓ પ્રાપ્ય છે. પરંતુ અહીં દાખલ થતા દર્દીઓ માટે નવું સેટઅપ મંજુર ન કરાતા નવી જગ્યાઓની ભરતી થતી નથી અને ૧૫૦ બેડની હોસ્પિટલમાં ૯૦ બેડના સેટઅપ મુજબ જ સ્ટાફ કાર્યરત છે. એટલું જ નહીં, અહીં પણ કેટલીક જગ્યાઓ ખાલી રહી હોવા અંગે પણ તંત્ર સમક્ષ રજૂઆતો કરવામાં આવી છે. સહનશીલ મનાતી ખંભાળિયા પંથકની જનતા હવે આ મુદ્દે આંદોલન કરે તો નવાઈ નહીં.

error: Content is protected !!