Sunday, September 24

રાખડી ભાઈ બહેનના સ્નેહનું પ્રતીક

0

આપણા સમાજમાં રક્ષાબંધનના પર્વનો અનેરો મહિમા છે. કારણકે એકજ ઘરમાં ઉછરેલાં ભાઈઓ મોટા થતાં પોતાની નોકરી કે કામ ધંધા ઉપર લાગી જાય છે, જ્યારે બહેનો પરણીને સાસરે જાય છે. એક જ ઘરમાં એકજ સાથે ઉછરેલાં ભાઈઓ અને બહેનો વચ્ચે એક વિશેષ નાતો બંધાઈ જાય છે. મોટા થયાં પછી બહેન સાસરે હોવાથી ભાઈ બહેનને એકબીજા સાથે મળવાનું ઓછું બને છે તેથી ભાઈ બહેનનો નાતો અને સંબંધ અતૂટ રહે તે હેતુથી સદીઓથી રક્ષાબંધનનું પર્વ મનાવવામાં આવે છે. આપણાં શાસ્ત્રોમાં એવો ઉલ્લેખ જાેવા મળે છે કે સૌ પ્રથમ યમરાજાની ભગિની યમી(હાલની યમુના નદી) એ પોતાના ભાઈ યમરાજને રાખડી બાંધી હતી. રક્ષાબંધનના દિવસે બહેન પોતાના ભાઈના હાથે રાખડી બાંધીને ભાઈના જીવનની રક્ષા તથા મંગલમય ભાવિની કામના કરી ભાઈના ઓવારણાં લ્યે છે. તો સામે પક્ષે ભાઈ પણ બહેનની પડખે ઉભા રહી, મુસીબતમાં બહેનને મદદ કરવાનું તથા રાખડીની લાજ નિભાવવાનું વચન આપે છે અને યથાશક્તિ વીરપસલી(ભાઈ તરફથી બહેનને અપાતી ભેટ) આપે છે. રાખી એ ફક્ત સૂતરનો તાર કે ધાગો નથી, પરંતુ ભાઈ બહેનના સ્નેહનું પવિત્ર બંધન છે. એટલે જ એક બહેન પોતાના ભાઈને કહે છે કે ” ઈસે સમજાે ના સૂતર કા તાર ભૈયા, મેરી રાખી કા મતલબ હૈ પ્યાર ભૈયા”. વીરાની બહેન ગમે તે સ્થળે ગમે એટલી દૂર વસી હોય, પરંતુ રક્ષાબંધનના દિવસે પોતાના વીરાને રાખડી બાંધવા જરૂરથી આવે છે અને સંજાેગોવસાત રૂબરૂમાં આવી ન શકાય તો પોષ્ટ કે કુરિયર મારફત ચોક્કસ પોતાના ભાઈને રાખડી મોકલાવે છે. જે ભાઈને બહેનડી નથી એને જ રાખડીનું મૂલ્ય શું છે એ સમજાય છે. રાખડી એ બહેનનો એનાં ભાઈ પ્રત્યેનો સ્નેહ, લાગણી અને વિશ્વાસ છે. રાખડી આમ જાેવા જાવ તો માત્ર એક ધાગો કે સૂતરનો તાર જ છે, પરંતુ એનું મૂલ્ય અમૂલ્ય છે. રાખડીનું કોઈ મૂલ્ય કે દામ આંકી શકાય નહીં. માત્ર આ સૂતરના ધાગામાં બહેનનો ભાઇ પ્રત્યેનો અપાર પ્રેમ,લાગણી અને અતૂટ વિશ્વાસ જાેડાયેલા છે. કહેવાય છે કે દ્રૌપદીએ ભગવાન શ્રીકૃષ્ણને રાખી બાંધી હતી અને પ્રભુએ ભરસભામાં દ્રૌપદીની લૂંટાતી લાજ બચાવીને રાખડીનું કર્જ અદા કર્યું હતું. કુંતા માતાએ પોતાના પૌત્ર એવા અભિમન્યુની રક્ષા કરવા કાજે અમર રાખડી બાંધી હતી. મેવાડની રાણી કર્માવતીએ પણ મેવાડની રક્ષા કરવા મોગલ બાદશાહ હુમાયુને રાખડી મોકલાવી હતી. આમ રક્ષાબંધનનો મહિમા યુગો પુરાણો(જૂનો) છે અને જ્યાં સુધી પૃથ્વી જીવંત છે ત્યાં સુધી ભાઈ બહેનનો સ્નેહ અતૂટ રહેશે અને વીરાના હાથે રાખડી બંધાતી રહેશે. રક્ષાબંધનને બળેવ તથા નાળિયેરી પૂનમ તરીકે પણ ઓળખવામાં આવે છે. બળેવના દિવસે બ્રાહ્મણો સમૂહમાં એકઠાં થઈ નદી કિનારે જઈ સ્નાન કરી, પૂજા અર્ચના તથા ગાયત્રી મંત્રોચ્ચાર કરી સૂરજદેવની સાક્ષીમાં જૂનું યજ્ઞોપવિત કાઢી નવું યજ્ઞોપવિત ધારણ કરે છે. યજ્ઞોપવિતને જનોઈ બદલવી એવું પણ કહેવાય છે. યજ્ઞોપવિત પણ રાખડીની જેમ ત્રણ તારનો કે છે તારનો ધાગો જ છે, પરંતુ એ દરેક બ્રાહ્મણોનું આભૂષણ છે, બ્રાહ્મણોની ઓળખ છે અને બ્રાહ્મણોનું ગૌરવ છે. તો બીજી તરફ દરિયાખેડૂઓ પોતાની નાવ, હોડી, નાનાં હોડકાં વિગેરે દરિયા કિનારે લાંગરી દરિયામાં શ્રીફળ, ચુંદડી તથા કંકુ અર્પણ કરીને સાગરદેવની પૂજા કરે છે. આમ ત્રણ પર્વો એકજ દિવસે મનાવાય છે. માટે રક્ષાબંધનનો પવિત્ર દિવસ દરેક રીતે આગવું, અદકેરૂ અને મહત્વનું સ્થાન ધરાવે છે.

error: Content is protected !!