ઓમ અને રૂદ્વાક્ષ વાળી રાખડીઓ વધુ પ્રચલીત બજારમાં જામ્યો ખરીદીનો માહોલ
રક્ષાબંધનના પવિત્ર તહેવારને આડે હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે. ત્યારે બજારમાંથી અવનવી રાખડીઓની ધુમ ખરીદી થઇ રહી છે. જેમાં ખાસ કરીને મોતીવાળી, ડાયમંડવાળી, ક્રીસ્ટલવાળી, દોરીવર્ક વાળી, સ્વસ્તિક વાળી, ગણેશજી વાળી, અવનવી રાખડીઓ બજારમાં આવી છે. તેમાંય આ વર્ષે ફોટાવાળી રાખડીઓની વધુ ખરીદી થઇ રહી છે. રાખડીમાં ભાઇનો ફોટો અને ભાઇ બહેનનો ફોટો રાખી શકાય તેવી, તેમજ દર વર્ષની જેમ આ વર્ષે બાળકોને પ્રીય એવી કાર્ટુન કેરેક્ટરવાળી રાખડીઓ પણ બજારમાં આવી છે તેમજ ભાભી માટેની લુંબા રાખડીઓ અલગ અલગ ડીઝાઇનમાં આવી છે. શહેરના મોટાભાગના વિસ્તારોમાં મંડપો રાખડીના વેચાણ માટે બનાવાયા છે. આ ઉપરાંત ફેરી કરતી બહેનો પણ દરરોજ સવાર સાંજ વિવિધ વિસ્તારોમાં રાખડીઓ વેચવા જાય છે. તેની પાસે પ્રમાણમાં સસ્તી અને સારી રાખડીઓ મળી રહે છે. તેની પાસે રૂા.૧૦થી લઇને ૧૦૦ રૂપિયા સુધીની રાખડી હોય છે. જ્યારે બજારમાં રૂા.૧૦થી લઇને ૭૦૦ થી ૮૦૦ સુધીની કીંમતે રાખડીઓ વેચાઇ રહી છે. હજુ રક્ષાબંધનને થોડા દિવસોની વાર હોય અને છેલ્લી ધડીએ પણ રાખડીઓની પુષ્કળ ખરીદી થશે તેવો વેપારીઓનો મત છે.હિન્દુ સમાજમાં રાખડી બાંધવાની પરંપરા વર્ષો પુરાણી છે જે સદીયોથી ચાલતી આવી છે. એક સમય હતો જ્યારે બહેન તેમના ભાઇને ઊનનો કે કોઈપણ સામાન્ય દોરો બાંધી રક્ષાબંધન ઉજવાતી, પરંતુ સમય બદલાયો અને રક્ષાબંધનમાં રાખડીઓના સ્વરૂપો પણ બદલાતા ગયા. આજે બજારમાં જુદા જુદા પ્રકારની રાખડીઓ મળવા લાગી છે.હાલમાં બજારમાં મળી રહેલી રાખડીઓમાં કલકત્તી, ડાયમંડ, સુખડ, બ્રેસલેટ, મોતીવર્ક, રૂદ્વાક્ષ, લુંબા રાખડી, ભાભી રાખડી, અમેરિકીન ડાયમંડ, સોનાની તેમજ ચાંદીની પટીવાળી રાખડી પણ માર્કેટમાં ઉપલબ્ધ છે. નાના ભૂલકાઓ માટે પણ આ વર્ષે ખાસ ડોરેમોન, છોટાભીમ, એંગ્રીબર્ડ, ૩-ડી રાખડી સહિત જુદા જુદા કાર્ટુન વળી રાખડીઓ ધૂમ મચાવી રહી છે. રાખડીઓમાં ૧૫૦ થી વધુ વેરાયટીઓ બજારમાં મળતી થઇ ગઇ છે પરંતુ તેમાં સૌથી વધુ ઓમ અને રૂદ્વાક્ષ વાળી રાખડીઓ વધુ પ્રચલીત છે. જ્યારે દરેક રાખડીઓના ભાવમાં ૧૦ ટકા જેટલો વધારો જાેવા મળી રહ્યો છે. ત્યારે બાળકોની રાખડીમાં ૫ ટકા જેટલો વધારો થયો છે.આ ભાવ વધારાના કારણે ક્યાંકને ક્યાંક ગ્રાહકો સહિત વેપારીઓને પણ મોંધવારીનો સામનો કરવો પડી રહ્યો છે. બહારગામ રહેતાં ભાઈઓને સમયસર રાખડી મળી રહે એ માટે પોસ્ટ વિભાગ દ્વારા અને કુરીઅર એજન્સી દ્વારા ઝડપી સેવાની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.