પોરબંદર એસપીએ જૂનાગઢમાં પોલીસ ટ્રેનીંગ સેન્ટરનું નિરીક્ષણ કર્યું : તપાસનો ધમધમાટ

0

જૂનાગઢ પીટીસીનાં કોન્સ્ટેબલના આપઘાત મામલે ચાલી રહેલી તપાસના સુપરવિઝન અનુસંધાને પોરબંદર એસપી બી.યુ. જાડેજાએ બુધવારે પોલીસ ટ્રેનિંગ સેન્ટરની મુલાકાત કરી હતી અને કેટલીક મહત્વની તપાસ પણ કરી હતી. જૂનાગઢ પોલીસ ટ્રેનિંગ સેન્ટરનાં ડ્રાઇવર બ્રીજેશભાઇ ગોવીંદભાઇ લાવડીયાના આપઘાત કેસમાં ગુજરાત હાઇકોર્ટની ફટકારનાં પગલે મૃતકનાં પુત્ર રીતેશભાઇ લાવડીયાની ફરીયાદ લઇ પીટીસીનાં ડીવાયએસપી ખુશ્બુબેન કાપડીયા અને પીએસઆઇ પ્રવિણકુમાર નરેન્દ્રભાઇ ખાચર સામે બ્રીજેશભાઈને આત્મઘાતનું દુષ્પ્રેરણ કરી મરવા માટે મજબુર કરવાનો ગુનો વંથલી પોલીસે નોંધ્યો હતો અને જેની તપાસ જૂનાગઢ જિલ્લા બહારના પોલીસ અધિકારી પોરબંદરના ડીવાયએસપી નીલમ ગોસ્વામીને સોંપવામાં આવી છે. દરમ્યાન પોરબંદર જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજાએ બુધવારે તપાસનીશ ડીવાયએસપી નીલમ ગોસ્વામીની સાથે પીટીસીની મુલાકાત લીધી હતી. એસપી જાડેજાએ જણાવ્યું હતું કે, પોલીસ કોન્સ્ટેબલનાં આપઘાત કેસની તપાસનું સુપરવિઝન હાઇકોર્ટ દ્વારા સોંપવામાં આવ્યું હોય જેનાં અનુસંધાને પોલીસ ટ્રેનિંગ સેન્ટરની મુલાકાત લઈ જરૂરી તપાસ કરી હતી. તેમજ કોન્સ્ટેબલે જ્યાં આપઘાત કર્યો હતો. તે બનાવવાળી શાપુર નજીકની જગ્યાની પણ મુલાકાત કરીને સ્થળનું નિરીક્ષણ કર્યું હતું. પીટીસી ખાતેની મુલાકાત દરમ્યાન પોરબંદર પોલીસ અધિક્ષક દ્વારા ઓફિસના હાજરી પત્રકની ચકાસણી કરી હોવાનું અને વાહનોની પણ વિગતો મેળવવામાં આવી હોવાનુ જાણવા મળેલ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ ચકચારી કેસમાં નિવેદન નોંધાવવા માટે ડીવાયએસપી ખુશ્બુ કાપડીયાને ૧ અને પીએસઆઇ પ્રવિણ ખાચરને ૨ સમન્સ પાઠવવામાં આવ્યું છે. છતાં પણ આ બંનેએ નિવેદન આપવા અંગે તસદી લેવાનું મુનાસિબ માન્યું નથી. જેથી આ પોલીસ અધિકારીઓ ઉપર આગળની કાર્યવાહીની તજવીજ હાથ ધરવામાં આવનાર છે.

error: Content is protected !!