જૂનાગઢનું ખોરાક અને ઔષધ નિયમન તંત્ર ઊંઘમાં : તહેવારોનો ફાયદો ઉઠાવવા ભેળસેળીયા સજ્જ

0

ફરસાણ, મીઠાઈ સહિતની ચીજવસ્તુઓમાં ભેળસેળ થતી હોવાની બુમ-તપાસની માંગ

જૂનાગઢ સહિત સૌરાષ્ટ્ર ભરમાં હાલ રોગચાળો માથું ઉંચકી રહયો છે અને આવા સમયગાળામાં સાતમ આઠમના તહેવારો નજીક આવી રહયા છે ત્યારે આ તહેવારોનો પુરેપુરો ફાયદો ઉઠાવવા માટે ખાદ્ય સામગ્રીઓમાં ભેળસેળ કરનારાઓ સજ્જ બની ગયા છે. વિવિધ પ્રકારની મીઠાઈ અને ફરસાણમાં જુદી જુદી સામગ્રીમાં ભેળસેળ કરીને સસ્તુ ફરસાણ કે સસ્તી મીઠાઈ આપવાના બહાને ભેળસેળવાળી વસ્તુઓ લોકોને પધરાવી દેતા હોવાની સરેઆમ ચર્ચાઓ થઈ રહી છે. તહેવારોમાં લોકોના આરોગ્ય સાથે ચેડા કરનારા તત્વો ફાવી ન જાય તે માટે જૂનાગઢનું ખોરાક અને ઔષધ નિયમન તંત્ર જાગે અને ભેળસેળ કરનારાઓ સામે કડક કાર્યવાહી હાથ ધરે તેવી માંગ ઉઠવા પામી છે.
એક તરફ તહેવારો નજીક આવી રહયા છે અને શ્રાવણ માસના તહેવારોની સાથે જ છેક દિવાળી સુધી સતત તહેવારોની યાત્રા રહેવાની છે. આ સાથે વિવિધ માર્કેટોમાં પણ તેજીનો દોર શરૂ થશે અને મોટાભાગની બજારોમાં ચહલ પહલ જાેવા મળશે. વેપાર ઉદ્યોગને પ્રોત્સાહન મળે અને અનેક લોકોને રોજગારી પ્રાપ્ત થાય તે સારી વાત છે અને તે વધાવવી પણ જાેઈએ. ત્યારે તહેવારોના આ દિવસોમાં લોકો પણ મન મુકીને વિવિધ ચીજવસ્તુઓની ખરીદી કરતા હોય છે. તહેવારોમાં સૌરાષ્ટ્રની એ પરંપરા રહી છે કે કોઈપણ તહેવાર હોય, તેમાં મીઠાઈ-ફરસાણનું પણ વિશેષ મહત્વ રહેલું છે. અને તહેવારોના આ દિવસોમાં તો લોકો હોંશે હોંશે વિવિધ પ્રકારની મીઠાઈઓ તેમજ ફરસાણોની ખરીદી કરતા હોય છે અને જેને લઈને જૂનાગઢ, રાજકોટ, ભાવનગર, જામનગર, પોરબંદર, કેશોદ સહિતના વિવિધ શહેરોમાં જનતા તાવડા પણ શરૂ થતા હોય છે અને સ્વીટ માર્ટ તેમજ ફરસાણના વેપારીઓ દ્વારા જનતાને રાહતદરે ખુબ જ સારી વસ્તુઓનું વેચાણ કરતા હોય છે. તો બીજી તરફ તહેવારોની આ મૌસમમાં ભેળસેળ કરનારાઓ પણ તક સાધી લેતા હોય છે અને ખાસ કરીને મીઠાઈ અને ફરસાણમાં સીંગતેલથી માંડીને વિવિધ સામગ્રીઓમાં પણ ભેળસેળ કરતા હોવાની અનેક ફરીયાદો ઉઠવા પામેલી છે. હજુ ચોમાસાના દિવસો ચાલી રહયા છે. એક તરફ ભેજ, અવાર નવાર વરસાદના ઝાપટા અને વારંવાર બદલાતા હવામાનને કારણે પાણીજન્ય રોગચાળાનું પ્રમાણ ખુબ જ વધી ગયું છે. શરદી, ઉધરસ, તાવ, મેલેરીયા, ડેન્ગ્યુ સહિતના રોગચાળાથી દવાખાનાઓમાં દર્દીઓનો ધસારો જાેવા મળી રહયો છે. બરાબર આ જ સમયે લોકોના આરોગ્યની પણ જાળવણી માટે આરોગ્ય વિષયક પગલાની સાથે સાથે ખાદ્ય પદાર્થોમાં પણ તકેદારી રાખવાની જરૂર હોય છે અને તહેવારોમાં પણ ખાસ ધ્યાન રાખવાની જરૂર છે પરંતુ તહેવારોમાં ભેળસેળીયા તત્વો ખાદ્ય સામગ્રીમાં ભેળસેળ કરવા માટે સજ્જ બની ગયા છે. જેથી જૂનાગઢ કે અન્ય શહેરનું ખોરાક અને ઔષધ નિયમન તંત્ર એટલે કે ફુડ એન્ડ ડ્રગ વિભાગે આળસ ખંખેરી, નિંદ્રાનો ત્યાગ કરીને ચેકીંગની કાર્યવાહી હાથ ધરી અને ભેળસેળ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે.

error: Content is protected !!