કલ્યાણપુરના વેપારી સાથે ડીલરશીપ આપવા બાબતે થયેલી છેતરપિંડીના પ્રકરણમાં બે શખ્સોને દબોચી લેવાયા

0

દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકામાં રહેતા એક વેપારી સાથે ડીલરશીપ આપવા બાબતે થયેલી છેતરપિંડીના પ્રકરણમાં દેવભૂમિ દ્વારકા જિલ્લા સાયબર ક્રાઇમ પોલીસે ભાવનગર તથા સુરતના બે શખ્સોને દબોચી લીધા હતા. આ શખ્સો દ્વારા અગાઉ પણ કરવામાં આવેલી વિવિધ પ્રકારની છેતરપિંડીના એક ડઝનથી વધુ ગુનાઓનો ભેદ ઉકેલાયો છે. આ સમગ્ર પ્રકરણની પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત વિગત અનુસાર કલ્યાણપુરની મેઈન બજાર વિસ્તારમાં રહેતા સંદીપભાઈ ગુણવંતરાય અત્રીના મોબાઈલ ફોન ઉપર ગત તારીખ ૧૭ ઓગસ્ટના રોજ ચોક્કસ નંબર ઉપરથી આવેલા ફોનમાં સામે છેડે બોલતા શખ્સ દ્વારા તેણે એક ડાયપર કંપનીના સેલ્સ ઓફિસર અંકિત મોદી તરીકેની ઓળખાણ આપી અને કલ્યાણપુર તાલુકામાં ડાયપરની એજન્સી આપવાની બાબત કહી તેની પાસે ફોન ઉપર ઓર્ડર લઈ અને વિવિધ બાબતો કહી વિશ્વાસમાં લીધા હતા. ત્યાર બાદ ઓર્ડર મુજબ જી.એસ.ટી. નંબરવાળા બિલનો ફોટો મોકલી પોતાના મિત્રના ગૂગલ પે ઉપર જુદા જુદા ટ્રાન્ઝેક્શન મારફતે રૂપિયા ૭૧,૧૬૮નું પેમેન્ટ મેળવી લીધા બાદ ફરિયાદીને વધુ માલનો ઓર્ડર આપવાનું જણાવી પૈસાની માંગણી કરતા વેપારી યુવાન દ્વારા પોતાની સાથે છેતરપિંડી થયાનું હોવાનું માલુમ પડતા આ સમગ્ર પ્રકરણ અંગે તેમના દ્વારા કલ્યાણપુર પોલીસ મથકમાં છેતરપિંડી તથા આઇ.ટી. એક્ટની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધાવવામાં આવ્યો હતો. આ પ્રકરણની તપાસ દેવભૂમિ દ્વારકા જિલ્લા સાયબર સેલને સોંપવામાં આવી હતી. જિલ્લા પોલીસ અધિક્ષક નિતેશ પાંડેયના માર્ગદર્શન હેઠળ સાયબર સેલ વિભાગના પી.આઈ. એ.વાય. બ્લોચ તથા તેમની ટીમ દ્વારા અલગ અલગ દિશાઓમાં તપાસના ચક્રો ગતિમાન કરતા તેઓને તપાસમાં આ પ્રકરણનું પગેરૂ ભાવનગર તથા સુરત જિલ્લામાં હોવાનું ધ્યાન આવ્યું હતું. તેથી સાયબર સેલની ટીમ દ્વારા ભાવનગર જિલ્લાના ઘોઘા ખાતે તેમજ સુરત ખાતે જઈ અને મેન્યુઅલ તથા ટેકનિકલ સર્વેલન્સના આધારે વર્કઆઉટ બાદ આ પ્રકરણમાં સંડોવાયેલા ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના નાગરવાડા વિસ્તારમાં રહેતા હિતેશ શાંતિલાલ ગોહિલ (ઉ.વ. ૨૮) તથા હાલ સુરતના કાપોદ્રા વિસ્તારમાં રહેતા અને મૂળ ભાવનગરના નાગરવાડાના રહીશ એવા ઉમંગ કિશોરભાઈ ગોહિલ (ઉ.વ. ૨૦) નામના બે શખ્સોની વિધિવત રીતે અટકાયત કરી વિવિધ ગુનાઓ પરથી ભેદનો પડદો ઉચકાવવામાં સાયબર ક્રાઇમ સેલને સફળતા મળી હતી. પોલીસ સુત્રોની તપાસમાં આરોપી હિતેશ ગોહિલ છ વર્ષ પહેલા મેમીપોકો પેન્ટ્‌સ ડાયપર કંપનીમાં સેલ્સમેન તરીકે નોકરી કરતો હતો. નોકરી છોડ્યા બાદ આરોપીને ક્રિકેટની લત લાગતા આ શખ્સ ક્રિકેટમાં પૈસા હારી ગયો હતો. ત્યારબાદ લાંબા સમયથી ગૂગલ સર્ચમાં મેડિકલ ધારકો, સેલ્સ એજન્સીઓ તથા નોવેલ્ટીની દુકાનવાળાઓના મોબાઈલ નંબર મેળવી, તેને પોતાની ઓળખ મેમીપોકો પેન્ટ્‌સ કંપનીના સેલ્સ ઓફિસર તરીકે આપી, ડીલરશીપ આપવાનું જણાવીને વિશ્વાસમાં લઈ અને વિવિધ પ્રકારે છેતરપિંડી આચરતો હતો. આટલું જ નહીં, આ શખ્સ ઓનલાઇન છેતરપિંડી આચરવા માટે વેપારીઓને ગેરકાયદેસર રીતે ઓનલાઇન ચાલતા ક્રિકેટ સટ્ટામાં ચોક્કસ સાઈટ ઉપર બનાવવામાં આવેલી આઈ.ડી.માં એક બુકી દ્વારા આપવામાં આવતા બેન્ક એકાઉન્ટમાં પેમેન્ટ કરાવી તેનો સટ્ટો રમતો હતો. જ્યારે અમુક રકમ તે પોતાની આઈડીમાંથી ઉપાડી લેતો હતો. આ ગુનામાં પકડાયેલો અન્ય આરોપી ઉમંગ ગોહિલ સુરતમાં રહી અને ફરિયાદીને કોલ કરીને પોતે ભાટિયા ડાયપર હાઉસમાંથી બોલું છું તેમ કહી અને ઓર્ડર લેતો હતો. આ રીતના આયોજનબદ્ધ રીતે ઓનલાઈન છે છેતરપિંડી કરતો હતો. પોલીસની પૂછતાછમાં આરોપી દ્વારા છેલ્લા દોઢેક વર્ષના સમયગાળામાં મહુવા, તળાજા, ઉના, પાલીતાણા, બોટાદ, ખંભાળિયા, સહિત આશરે સોળ જેટલા સ્થળોએથી ડીલરશીપના નામે ઓનલાઈન છેતરપિંડી આચરી હોવાની કબુલાત પોલીસ સમક્ષ આપી હતી. આ પ્રકરણમાં અહીંના સાયબર સેલ વિભાગના પી.આઈ. એ.વાય. બ્લોચ દ્વારા વધુ તપાસ હાથ ધરી, હજુ પણ કેટલાક ગુનાઓનો ભેદ ઉકેલાય તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. આ સમગ્ર કાર્યવાહી દેવભૂમિ દ્વારકા જિલ્લા સાયબર સેલ વિભાગના પી.આઈ. બ્લોચ સાથે એ.એસ.આઈ. એમ.એમ. ચાવડા, ધરણાંતભાઈ બંધીયા, મુકેશભાઈ કેસરિયા, હેમંતભાઈ કરમુર, રાજુભાઈ ઢેબારીયા, હેભાભાઈ ચાવડા, પબુભાઈ ગઢવી, મુકેશભાઈ નંદાણીયા તથા જનકભાઈ કરમુર દ્વારા કરવામાં આવી હતી.

error: Content is protected !!