Thursday, September 28

કેશોદ પોલીસ સ્ટેશનની મુલાકાતે આવેલા જીલ્લા પોલીસ વડાએ નગરશ્રેષ્ઠીઓ સાથે સંવાદ યોજ્યો

0

કેશોદ પોલીસ સ્ટેશન ખાતે આજે સવારે જુનાગઢ જીલ્લા પોલીસ વડા હર્ષદ મહેતા મુલાકાતે આવતાં કેશોદ પોલીસ વિભાગનાં ડીવાયએસપી બી. સી. ઠક્કર દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું અને કેશોદ પોલીસ સ્ટેશનનાં પટાંગણમાં ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. કેશોદ પોલીસ સ્ટેશનનું જૂનાગઢ જિલ્લા એસપી હર્ષદ મહેતાએ નિરીક્ષણ કરી જરૂરી સુચનો અને માર્ગદર્શન આપ્યું હતું. કેશોદ પોલીસ સ્ટેશનનાં પોલીસ ઇન્સ્પેક્ટર બી.બી. કોળી પોલીસ સબ ઇન્સ્પેક્ટર પી. કે. ગઢવી પોલીસ સબ ઇન્સ્પેક્ટર વાળા સહિત પોલીસ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. કેશોદ પોલીસ સ્ટેશનથી અગતરાય રોડ ઉપર આવેલા સોની સમાજ ખાતે કેશોદના વિવિધ વેપારી સંગઠનો, ગ્રામ્ય વિસ્તારના આગેવાનો, સતાધારી પક્ષના હોદ્દેદારો અને નગરશ્રેષ્ઠીઓ સાથે લોક સંવાદ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં કેશોદ પોલીસ સ્ટેશનનાં પોલીસ ઇન્સ્પેક્ટર બી. બી. કોળીએ સ્વાગત પ્રવચન કર્યું હતું. કેશોદના અગ્રણી આગેવાનોએ રજુઆત કરી હતી ત્યારે કેશોદ પોલીસ વિભાગનાં ડીવાયએસપી બી. સી. ઠક્કર દ્વારા પ્રાસંગિક પ્રવચન આપ્યું હતું. જૂનાગઢ જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતાએ નગરજનો અને કેશોદ પોલીસ સ્ટેશન તાબાના ગ્રામ્ય વિસ્તારના રહીશોની સલામતીની ચિંતા વ્યક્ત કરી ટકોર કરી હતી કે સજ્જન માણસોની સજ્જતાનું પ્રમાણ વધશે તો આપોઆપ દુર્જન માણસોની દુર્જનતામાં ઘટાડો આવી જશે. વર્તમાન સમયમાં ચાલી રહેલી ટ્રાફિક અંગેની ડ્રાઈવ બાબતે પણ જણાવ્યું હતું કે આપણે વાહન ચલાવવામાં અને પાર્કિંગ કરવામાં સ્વયં શિસ્ત અપનાવીશું તો ટ્રાફિક ની સમસ્યાનો ઉકેલ લાવવામાં સાનુકૂળતા રહેશે અને પોલીસને કડક વલણ પણ અપનાવવું પડશે નહીં. કેશોદ આસપાસના વિસ્તારોમાં ચોરી લુંટ ધાડપાડુઓ અને ગુનાહિત પ્રવૃતિઓથી મુક્ત બનાવવા માટે પરપ્રાંતીય શ્રમિકો અને બહારગામથી કામ કરવા આવતાં શ્રમિકોનાં આધાર પુરાવાઓ તપાસી ગુનાહિત પ્રવૃતિઓ સાથે સંકળાયેલા લીસ્ટેડ રીઢા ગુનેગારોને ઝડપી પાડવા અભિયાન શરૂ કરવાની જાહેરાત કરી હતી. શહેરમાં સોસાયટી વિસ્તારમાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવે છે ત્યારે મુખ્ય માર્ગો સુધી કન્કટીવીટી લંબાવવા સુચન કર્યું હતું. કેશોદ પોલીસ સ્ટેશનની પ્રાથમિક જરૂરિયાત માટે પોલીસ મહાનિર્દેશક મારફતે રાજ્ય સરકારમાં રજુઆત કરવામાં આવશે એવું જણાવી રાજકીય આગેવાનોને સમર્થન આપવા જણાવ્યું હતું. કેશોદના સોની સમાજ ખાતે યોજાયેલા લોક સંવાદ કાર્યક્રમનું સંચાલન ઉદઘોષક ડો. ભૂપેન્દ્રભાઈ જાેષીએ કર્યું હતું. લોક સંવાદ કાર્યક્રમનાં અંતે આભારવિધિ પોલીસ સબ ઇન્સ્પેક્ટર પી. કે. ગઢવીએ કરી હતી.

error: Content is protected !!