શ્રી નાથળિયા ઉનેવાળ બ્રહ્મ સમાજ ટ્રસ્ટ, જૂનાગઢ દ્વારા વર્ષોથી શ્રાવણી પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે તે મુજબ ચાલુ સાલે તા.૩૦-૮-૨૩ને શ્રાવણ સુદ પૂનમ યાને બળેવ, રક્ષાબંધનના પવિત્ર પર્વની ઉજવણી જ્ઞાતિના વયોવૃધ્ધ વડિલ વ્રજલાલ કેશવજી દવેના અધ્યક્ષ સ્થાને જૂનાગઢ ખાતે ગાંધીગ્રામમાં ઉનેવાળ બ્રહ્મ સમાજની વાડીમાં તેજસ્વી વિદ્યાર્થીઓનો ભવ્ય સન્માન સમારંભ યોજાયેલ. આ સન્માન સમારંભની શરૂઆત દિપ પ્રાગટયથી કરવામાં આવી હતી. આ સમારંભમાં તેજસ્વી તારલા ડો.ચિન્મય જયભાઈ મહેતા તથા ડો. પ્રત્યુષ વિપુલભાઈ મહેતા અને પ્રો. કરણભાઈ જયેશભાઈ મહેતાનું ફૂલહારથી અને સન્માન પત્ર અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું ત્યારે તાળીઓથી હોલ ગાજી ઊઠયો હતો. ત્યારબાદ જ્ઞાતિના તેજસ્વી તારલાઓનું સન્માન ઈનામ તથા વિધાભ્યાસમાં ઉપયોગી થાય તેવી ગીફ્ટો આપી પ્રોત્સાહિત કરવામાં આવેલ. જેમાં શ્રી નાથળિયા ઉનેવાળ બ્રહ્મ સમાજ ટ્રસ્ટ, જૂનાગઢ દ્વારા ધો.૧૦ અને ધો.૧૨માં પ્રવાહમાં પ્રથમ, બીજા અને ત્રીજાને પુરસ્કૃત કરેલ અને ધો.૧ થી ૮માં પ્રથમ, બીજા અને ત્રીજાને શ્રી વસંતરાય આણંદજી ઓઝા તરફથી પુરસ્કૃત કરવામાં આવેલ. જ્યારે ધો.૯ થી કોલેજ સુધીમાં પ્રથમ, બીજા અને ત્રીજાને સ્વ.જટાશંકર પુરૂષોતમ મહેતા તથા સ્વ.જયાબેન જટાશંકર મહેતા તરફથી પુરસ્કૃત કરવામાં આવેલ. આ તકે કાશ્મીરાબેન શ્રોત્રીયએ સ્વરચિત રચના રજુ કરી હતી. આ સમારોહમાં સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી પ્રફુલભાઈ મહેતાએ સ્વાગત પ્રવચન કર્યું હતું. જ્યારે નરેશભાઈ ઓઝા, ડો.ચિન્મય મહેતા, અતુલભાઈ મહેતા અને નરેન્દ્રભાઈ દવેએ પ્રાસંગિક પ્રવચનમાં તેજસ્વી તારલાઓને શાબાશી આપેલ અને જ્ઞાતિનો વિકાસ, એકતાને બિરદાવ્યા હતા તથા બળેવ એ બ્રહ્મ સમાજ માટે દિવાળીનો દિવસ ગણાય, બળેવની સૌને શુભેચ્છાઓ પાઠવી હતી. સમારંભના પ્રમુખ વ્રજલાલ કે. દવેએ સૌને શુભેચ્છાઓ પાઠવી અને તેમના આરોગ્ય અંગેની જાણકારી આપી હતી. સમારંભનું સફળ સંચાલન હિ.મો.મહેતાએ કર્યું હતું જ્યારે આભાર વિધિ યોગેશભાઈ ઓઝાએ કરી હતી. સમારંભના અંતે ઉપસ્થિત સૌઐ સમુહ ભોજન કરેલ હતું. આ સમારંભને સફળ બનાવવા માટે સમગ્ર ટ્રસ્ટી મંડળ એ ભારે જહેમત ઉઠાવી હતી.