જૂનાગઢમાં પતિએ ચારિત્ર્ય ઉપર શંકા કરતા પરિણીતાએ માસુમ પુત્ર સાથે આત્મહત્યા કરી હોવાનું બહાર આવ્યું

0

જમાઇ વિરૂધ્ધ મૃતકની માતાની દીકરીને મરવા મજબૂર કર્યાની પોલીસમાં ફરિયાદ : તપાસ
રવિવારે જૂનાગઢની એક પરિણીતાએ માસુમ પુત્ર સાથે ટ્રેન નીચે ઝંપલાવીને કરેલા આપઘાતના બનાવમાં મૃતકને તેના પતિએ મરી જવા મજબૂર કર્યાની ફરિયાદ મરનારના માતાએ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે. શહેરમાં ઝાંઝરડા રોડ વિસ્તારમાં આવેલ રાજમંદિર એપાર્ટમેન્ટ બ્લોક નંબર ૧૦૪માં રહેતા સોનલબેન હાર્દિક જેબલિયા(ઉ.વ.૨૮)એ તેના એક વર્ષના પુત્ર કૃષ્ણરાજ સાથે ૨૭ ઓગસ્ટ રવિવારની સાંજે ચોબારી રેલવે ફાટક પાસે સોમનાથ-જબલપુર ટ્રેન નીચે ઝંપલાવીને મોતને મીઠું કરી લીધું હતું. આ ઘટનામાં માતા-પુત્રના મૃતદેહ ક્ષત વિક્ષત થઈ ગયા હતા. અને ટ્રેનમાં બંનેના મૃતદેહને શાપુર ખાતે લઇ જવામાં આવ્યા હતા. આ અંગે મૃતકનાં પતિ ખાનગી બેંકમાં નોકરી કરતા પતિ હાર્દિક કિશોરભાઈ જેબલિયાએ પોલીસ નિવેદનમાં જણાવ્યું હતું કે, પત્ની સોનલ કોઈ વ્યક્તિ સાથે વાત કરતી હતી આથી શંકા જતા તેને ઠપકો આપ્યો હતો અને બાદમાં તેના ભાઈ ઉદયને ફોન કરી પત્ની સોનલને કોન્ફરન્સમાં લઈને સમજાવવાનું કહ્યું હતું તેનું તેણીને લાગી આવતા પુત્ર કૃષ્ણરાજ સાથે જૂનાગઢથી વેરાવળ તરફ જતી જબલપુર સોમનાથ ટ્રેન નીચે ઝંપલાવીને આપઘાત કર્યો હોવાનું જણાવ્યું હતું. દરમ્યાન બુધવારે મૃતક સોનલબેનના જેતપુર ખાતે રહેતા માતા ધમબેન રાવતભાઈ ડેરૈયાએ દીકરીના પતિ હાર્દિક જેબલિયા સામે સોનલબેનના ચારિત્ર્ય ઉપર શંકા કરી, માવતરે જવાનુ કહી અને છુટાછેડાની ધમકી આપી સોનલબહેનને પુત્ર સાથે મરી જવા મજબૂર કર્યાની ફરીયાદ નોંધાવતા બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

જૂનાગઢમાં સરા જાહેર પરણીતાને પતિ, સાસુ, નણંદે માર મારી દીકરાને ઝૂંટવી જવાનો કર્યો પ્રયાસ
જૂનાગઢના કડિયાવાડ વિસ્તારમાં માસુમ પુત્ર સાથે રાખડી ખરીદવા નીકળેલ નિશાબેન લાખા ચીખલીયા(ઉ.વ.૨૫) નામની પરિણીતાને પતિ લાખા કાંતિ, સાસુ આશાબેન અને નણંદ દયા અને ગાયત્રીએ માર માર્યાની પોલીસમાં ફરીયાદ થઇ છે. હાલ ભાઈ સાથે મુબારકબાગમાં રહેતા નિશાબેને ૧૫ દિવસ અગાઉ તેના પતિ વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેનું મનદુઃખ રાખીને હુમલો કરી પુત્રને ઝૂંટવી જવાનો પ્રયાસ કરતા ૬ વર્ષનો પુત્ર પડી જતા તેને માથાના ભાગે ઇજા થયો હતી. આ અંગેની ફરિયાદના આધારે એ ડિવિઝન પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

માણાવદરમાં ૧૬૩ બોટલ ઈંગ્લીશ દારૂ ઝડપાયો
માણાવદર પોલીસે ગઈકાલે ચોક્કસ બાતમીના આધારે ઈમ્તીયાઝ ઉર્ફે બાલો નાથાભાઈના રહેણાંક મકાનમાં દારૂ અંગે દરોડો પાડતા ૧૬૩ બોટલ રૂા.૩પ,૬૦૦નો ઈંગ્લીશ દારૂ, મોબાઈલ ફોન મળી કુલ રૂા.૪પ,૬૦૦નો મુદ્દામાલ જપ્ત કરે છે. આ ઉપરાંત દરોડા દરમ્યાન હાજર નહી મળી આવેલ સાહિલ ઉર્ફે કબો આરીફભાઈને ઝડપી લઈ તેના વિરૂધ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

સોરઠ પંથકમાં વ્યાપક જુગાર દરોડા : કાલસારી ગામેથી આઠ શખ્સો ઝડપાયા
જૂનાગઢ અને આસપાસના વિસ્તારોમાં જુગારની મોસમ ખીલી ઉઠી હોય તેમ જુગારીઓ પત્તા રમ્યામાં મસગુલ બન્યા છે ત્યારે પોલીસે પણ જુગારીઓના રંગમાં ભંગ પાડેલ છે. પોલીસે આપેલી વિગત અનુસાર, જૂનાગઢના બસ સ્ટેન્ડ નજીકથી જાહેરમાં જુગાર રમતા ચાર શખ્સોને રૂા.૩૦૯૦ના રોકડ મુદ્દામાલ સાથે ઝડપી લઈ તેમના વિરૂધ્ધ કાર્યવાહી કરી છે.
વિસાવદર તાલુકાના કાલસારી ગામે જુગાર દરોડો
વિસાવદર તાલુકાના કાલસારી ગામેથી આઠ શખ્સોને જાહેરમાં જુગાર રમતા રૂા.૧,૧૦,૧૯૦ના રોકડ મુદ્દામાલ સાથે પોલીસે ઝડપી લઈ તેમના વિરૂધ્ધ જુગાર ધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે. આ ઉપરાંત વિસાવદરના ખાંભા ગીર ગામેથી જાહેરમાં જુગાર રમતા પાંચ શખ્સોને પોલીસે ઝડપી લઈ તેના વિરૂધ્ધ જુગાર ધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.
જૂનાગઢમાં વધુ એક જુગાર દરોડો
જૂનાગઢ બી ડીવીઝન પોલીસે મુબારકબાગ નજીકથી જાહેરમાં જુગાર રમતા ચાર શખ્સોને રૂા.૩૬૦૦ના રોકડ મુદ્દામાલ સાથે ઝડપી લેવામાં આવેલ છે.
નાનડીયા ગામે જુગાર દરોડો
માણાવદર તાલુકાના નાનડીયા ગામે પોલીસે જુગાર અંગે દરોડો પાડી પાંચ શખ્સોને રૂા.૪૧૮૦ના મુદ્દામાલ સાથે જુગાર રમતા ઝડપી લીધેલ છે. આ ઉપરાંત માંગરોળ તાલુકાના ગોરેજ ગામેથી સાત શખ્સોને રૂા.૯૦ર૦ના મુદ્દામાલ સાથે ઝડપી લેવામાં આવેલ છે.

error: Content is protected !!