પ્રજાકીય ફરિયાદના નિકાલ માટેની ઝડપી કામગીરી કરનારા કલેકટરના આ રિપોર્ટમાં પ્રજાની અપેક્ષાઓ સંતોષા કે વિપરીત પરિણામ તે ઉપર જનતાની મીટ
જૂનાગઢમાં સર્જાયેલી પુરપ્રકોપની ઘટનામાં જે કોઈ જવાબદાર હોય તેની સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવા નિર્દોષો મળી રહ્યા છે. જાેકે સાચો આધાર તો જૂનાગઢ શહેરમાં જે સર્વેની કામગીરી કરવામાં આવી છે અને કલેકટર દ્વારા ઉચ્ચકક્ષાએ જે રિપોર્ટ આપવાનો છે તેના ઉપર રહેલો છે. જાેવાનું એ રહે છે કે કલેકટર દ્વારા કોઈજાતની શેહશરમ રાખ્યા વિના જવાબદારો સામે તોપનું નાળચું મંડાય છે કે જવાબદારોને છાવરવાની કથિત કાર્યવાહી કરવામાં આવશે તેવી ચર્ચાઓ હાલ તો જૂનાગઢ શહેરમાં ટોક ઓફ ધી ટાઉન બની છે.
ર૧ જુનનો દિવસ જૂનાગઢવાસીઓ માટે અતિ કઠીનભર્યો રહ્યો હતો. આ દિવસે મેઘરાજાએ ભારે વરસાદ વરસાવી દેતા અતિવૃષ્ટીના પગલે જૂનાગઢ શહેરની હાલત દરિયા જેવી બની ગઈ હતી અને લોકોના ઘરમાં પાણી ઘુસી ગયા હતા અને પારાવાર નુકશાની પહોંચી હતી. કુદરતે તો શાંતપુર્ણ રીતે પાણી વરસાવ્યું હતું પરંતુ જૂનાગઢની જે હાલાકી થઈ તેના એક માત્ર જવાબદાર એવા મનપાના તંત્ર સામે લોકોમાંથી ભારે રોષ ભભુકી ઉઠયો છે. મનપાના બેજવાબદાર લોકોએ ગેરકાયદેસર બાંધકામોને છુટોદોર આપી દેતા જૂનાગઢ શહેરની આ હાલત સર્જાણી હોવાના ખુલમખુલ્લા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. જૂનાગઢના જાણીતા એડવોકેટ કે.બી. સંઘવી અને તેમની ટીમ દ્વારા ગુજરાતના મુખ્યમંત્રી સમક્ષ એક અહેવાલ પણ સુપ્રત કરવામાં આવેલ છે અને આ અહેવાલના પગલે કેટલાક લોકોની પગ નીચેથી જમીન સરકી જાય તેવો સિનારીયો થયો છે. એવા સંજાેગોમાં મુખ્યમંત્રીના તપાસના આદેશને પગલે જૂનાગઢ શહેરમાં તબાહીના તાંડવ અંગેનો સર્વે હાથ ધરવામાં આવેલ તેમજ શહેરમાં કેટલાક ગેરકાયદેસર બાંધકમો છે, સરકારી જમીનમાં કે વોકળાઓ પર કઈ-કઈ જગ્યાએ આવેલા છે. એટલું જ નહી આ બાંધકામો કરવા માટેની પરમિશન કોણે આપી ? તે સગડા સવાલો મૌન ધારણ કરેલ છે. મહાનગરપાલિકા બન્યું ત્યારથી લઈ લોકોએ અનેક અસુવિધાનો અનુભવ કરેલ છે. પ્રાથમિક સુવિધાના પ્રશ્નો તો આ મનપાના અધિકારીઓ-પદાધિકારીઓ પુરા કરી શકતા નથી અને માથે ગળાટુપો દીધો હોય તેવો ઘાટ ઘડાયો છે. વોકળાઓ પર કરેલા ગેરકાયદેસર બાંધકામો ભ્રષ્ટાચાર વિગેરે કારણોસર જનતાની હાલત મનપાના આ પદાધિકારીઓના પાપે દોજખ જેવી બની ગઈ છે. ત્યારે તાજેતરમાં જ ર૧ જુને બનેલી અતિવૃષ્ટી અને પુરપ્રકોપની ઘટનામાં પદાધિકારીઓ જવાબદાર હોવાનું સીધી અને સટ તારણ બહાર આવેલ છે. આ અંગેની ફાઈલ તૈયાર થઈ ચુકી છે અને કલેકટર દ્વારા આ અહેવાલ રાજય સરકારને સુપ્રત કરવાની તૈયારી હાથ ધરાઈ છે. જૂનાગઢના કર્મનિષ્ઠ જેવા જીલ્લા કલેકટર અનિલકુમાર રાણાવસીયાએ થોડા દિવસમાં જ જૂનાગઢ અને જીલ્લાના પ્રજાકીય પ્રશ્નોના નિકાલ માટે ખુબ સારી કામગીરી દાખવી છે ત્યારે આ બાબતે કેવીક તોપ ફોડે છે તે બાબતે લોકોની મીટ મંડાયેલી છે. જૂનાગઢ જીલ્લા કલેકટર સામે લોકોની અનેક અપેક્ષાઓ રહેલી છે ત્યારે કલેકટર દ્વારા કોઈપણ જાતની શેહશરમ રાખ્યા વિના મનપાના જવાબદાર અધિકારી-પદાધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે.