તહેવારોના દિવસોમાં ધુળની ડમરી, રસ્તાઓ ઉપરનો ઢોરવાડો અને ખાડા-ટેકરાવાળા રસ્તાઓએ જનતાની હાલત ખરાબ કરી નાખી છે
સાતમઆઠમના તહેવારોને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે અને શ્રાવણ મહિનાની શરૂઆતથી જ દિપાવલી નૂતન વર્ષ સુધીના તહેવારો એકધારા આવ્યા રાખે છે પરંતુ જૂનાગઢ શહેરની જનતાને તહેવારોમાં પ્રાથમિક સુવિધાનું સુખ જાણે ન હોય તેવું લાગે છે. તહેવારો ટાંકણે રસ્તાઓની ધુળની ડમરીઓ, ખાડા-ટેકરાવાળા રસ્તા અને રસ્તામાં જ જાહેર માર્ગો ઉપર રહેલા ઢોરવાડાને પગલે લોકો ત્રાહીમામ પોકારી ઉઠયા છે. તો બીજી તરફ તાજેતરમાં અતિવૃષ્ટી અને ભારે પુરપ્રકોપની સ્થિતીમાં જૂનાગઢમાં જલ તાંડવ ખેલાયું હતું અને તેમાં જૂનાગઢને ભારે નુકશાનીનો માર સહન કરવો પડયો હતો. ઉચ્ચકક્ષાએ રજુઆત બાદ જૂનાગઢની જળહોનારતના જવાબદારો સામે પગલા ભરવાની માંગણી સાથે અહેવાલો રજુ થયા છે અને જેને લઈને મનપાના પદાધિકારીઓ-અધિકારઓ રજા ઉપર ઉતરી ગયા છે અને ગાંધીનગર સુધી દોટ દીધી છે. તેઓની આ દોટ કેવું પરિણામ લાવે છે તે ઉપર શહેરીજનોની મીટ મંડાયેલી છે. તો બીજી તરફ તહેવારોના આ દિવસોમાં જૂનાગઢ શહેરના મુખ્ય-મુખ્ય રસ્તાઓ, સોસાયટી વિસ્તાર વિગેરેના રસ્તાની હાલત ખરાબ જ છે. અનેકવાર રિપેરીંગ કામ તેમજ રસ્તાઓના પેચવર્કના નાટક ખેલાયા હોવા છતાં આજે રસ્તાઓની હાલત ખુબ જ ખરાબ છે. શહેરમાં આવેલા વિવિધ સર્કલો ઉપર જાણે ઢોરવાડો થયો હોય તેવા દ્રશ્યો સામે આવે છે. આ ઉપરાંત તુટેલા રસ્તાઓના કારણે જૂનાગઢ શહેરમાં ધુળની ડમરીઓના ગોટેગોટા ઉડે છે. આવી હાલત વચ્ચે જૂનાગઢ મહાનગરપાલિકાના કહેવાતા પ્રજાના શાસકો, પદાધિકારીઓ, અધિકારીઓ પોતાના બચાવ માટે હાલ ગાંધીનગરના ફેરા કરી રહ્યા છે અને રજા ઉપર ઉતરી ગયા છે તેવું આધારભુત રીતે જાણવા મળે છે. વિપક્ષના કોર્પોરેટર મંજુલાબેન પણસરા તથા લલીતભાઈ પણસારાએ પ્રજાના આ કહેવાતા સેવકો સામે ખુલ્લેઆમ આક્ષેપો કરેલ છે. તો બીજી તરફ લોકો હવે તો છડે ચોક બોલી ઉઠયા છે કે, જનતા પરેશાન છે અને મનપાના પદાધિકારીઓ મોજમાં છે તેવું વાતાવરણ આજે જૂનાગઢમાં જાેવા મળ્યું છે.