ગાંધીધામની લૂંટ, આરટીઆઇ કાર્યકર ઉપર હુમલા સહિત નામચીન શક્તિસિંહ અનોપસિંહ જાડેજા સામે અનેક ગુનાઓ
કચ્છના ચકચારી લૂંટ અને હુમલાના બનાવમાં સંડોવાયેલ નામચીન આરોપી જૂનાગઢના મેંદરડાથી ઝડપાઈ ગયો છે. ગાંધીધામમાં ગત તા. ૧૮ જુલાઈના સીબીઆઈ રેઈડના નામે ૧ કરોડ ૪૫ લાખની લૂંટના બનાવ બાદ પાંચ આરોપીઓ થાર જીપને લઈ અંજારના ખંભરામાં શક્તિસિંહ જાડેજાની વાડીએ ગયાં હતાં. આ ગુનામાં જે જીપ વપરાઈ હતી તે જીપ સિકંદર ઊર્ફે સિકલાની માલિકીની હતી. ગુનો બન્યાંના ગણતરીના દિવસોમાં જ પોલીસે પાંચે આરોપીને પકડીને ૧ કરોડ ૩ લાખ ૪૮ હજાર ૫૦૦ રૂપિયા કબ્જે કર્યા હતા. જ્યારે બાકીના ૪૧.૫૧ લાખ રૂપિયા લઈ શક્તિસિંહ અનોપસિંહ જાડેજા અને સિકંદર ઊર્ફે સિકલો બેઉ સાથે ફરાર થઈ ગયાં હતાં. શક્તિસિંહ અને સિકંદર પોલીસથી બચવા સતત અલગ અલગ સ્થળે ભાગતાં ફરતાં હતાં. પૂર્વ કચ્છ એલસીબીએ મૂળ કચ્છના નાની ખેડોઈ ગામના શક્તિસિંહ અનોપસિંહ જાડેજાને સૌરાષ્ટ્રના જૂનાગઢના મેંદરડા તા.ના મોટી ખોડિયાર ગામેથી ઝડપી પાડયો છે. પોલીસે આ આરોપીને ગાંધીધામ, આદિપુર અને અંજાર વિસ્તારમાં શક્તિની છાપ માથાભારે માણસ તરીકેની છે. દારૂબંધીને લગતાં ગુનામાં પણ તે અગાઉ પોલીસ ચોપડે ચઢી ચૂકેલો છે. ૧૮ જૂનના રોજ શક્તિસિંહ જાડેજાએ આદિપુરના આરટીઆઈ એક્ટિવીસ્ટ રવિન્દ્ર સબ્બરવાલ ઉપર હિંસક હુમલો કરી હાથ-પગ ભાંગી નાખ્યાં હતા અને તેમની પત્ની સાથે પણ મારકૂટ કરેલી. આરોપીને કોર્ટે ત્રણ દિવસના રીમાન્ડ ઉપર ધકેલ્યો છે. પોલીસે જનતાને જાહેર અનુરોધ કર્યો છે કે શક્તિસિંહના ત્રાસનો જે લોકો ભોગ બન્યા હોય તેઓ ફરિયાદ કરવા આગળ આવે.