માણાવદર તાલુકાના સારંગપીપળી ગામે ભડ ગામના યુવાનની પ્રેમ પ્રકરણમાં હત્યા

0

મૃતક યુવાનને મળવા બોલાવી અને બાદમાં ગોડાઉનમાં અટકાયત કરી પાઈપ તથા લાકડાના ધોકા વડે માર મારતા મોત : પાંચ સામે ખુનનો ગુનો દાખલ

જૂનાગઢ જીલ્લાના માણાવદર તાલુકાના સારંગપીપળી ગામમાં પ્રેમ પ્રકરણના કારણે યુવતીના પરિવારના સભ્યોએ પાઈપ તથા લાકડાના ધોકા વડે માર મારતા ભડ ગામના યુવાનનું ગંભીર ઈજા થવાના કારણે મૃત્યું થયું હતું અને આ બનાવ હત્યામાં પલટાયો હતો. આ બનાવ અંગે કુલ પાંચ સામે ખુનના ગુના સહિતની વિવિધ કલમ અંતર્ગત ગુનો દાખલ કરવામાં આવેલ છે. આ બનાવ અંગે પોલીસે આપેલી વિગત અનુસાર પોરબંદર જીલ્લાના ભડ ગામના જીતેન્દ્રભાઈ વિનોદભાઈ ગોરડ(ઉ.વ.૩પ)એ ભૂમિકાબેન પ્રફુલપરી ગોસ્વામી રહે.ભડ ગામ, દિવ્યેશપરી પ્રફુલપરી ગોસ્વામી, પ્રફુલપરી કરશનપરી ગોસ્વામી, ભાવેશપરી પ્રવિણપરી ગોસ્વામી રહે.સારંગપીપળી, કલ્પેશપરી પ્રવિણપરી ગોસ્વામી રહે.સારંગપીપળી વિગેરે સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવેલ છે કે, આ કામના આરોપીઓ જેમાં આરોપી નં-૧ ભૂમિકાબેનને આ કામના ફરિયાદીના ભાઈ નિલેશભાઈ સાથે પ્રેમ સંબંધ હોય અને આ પ્રેમ સંબંધની ભૂમિકાબેનના ઘરના સભ્યોને ખબર પડી જતા અને તેના ઘરના સભ્યોએ ભૂમિકાબેનને માણાવદર તાલુકાના સારંગપીપળી ગામે તેના મોટાબાપા પ્રવિણપરી ગોસ્વામીને ઘરે છેલ્લા પાંચેક મહિનાથી રહેવા મોકલી દીધેલ હતા. દરમ્યાન આ કામના આરોપીએ પુર્વઆયોજીત કાવતરૂ રચી એક સંપ કરી ગેરકાયદેસર મંડળી રચી અને સમાન ઈરાદો પાર પાડવા ભૂમિકાબેન પ્રફુલપરી ગોસ્વામીએ મૃતક નિલેશભાઈને મળવા બોલાવતા નિલેશભાઈ ભૂમિકાબેનને મળવા ગયા હતા. જયાં આ કામના તમામ આરોપીઓએ નિલેશભાઈને ગોડાઉનમાં પુરી ગેરકાયદેસર અટકાયત કરી અને ગુનાહિત ધમકી આપી પાઈપ તથા લાકડાના ધોકા વડે વારાફરતી શરીરે માર મારી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. આ હુમલા પ્રકરણમાં નિલેશ ગોરડ બેભાન થઈ ગયો હતો. આ યુવકને સારવારમાં ખસેડવામાં આવ્યો હતો પરંતુ સારવાર પુર્વે જ તેનું મૃત્યું થયું હતું. આ બનાવ તા.૩૦-૮-ર૦ર૩ કલાક ર૧ઃ૩૦થી તા.૩૧-૮-ર૦ર૩ કલાક ૭ દરમ્યાન બનવા પામેલ અને ગઈકાલે તા.૩૧-૮-ર૦ર૩ કલાક રરઃ૦પએ જાહેર કરવામાં આવેલ. જીતેન્દ્રભાઈ વિનોદભાઈ ગોરડની ફરિયાદ ઉપરથી પોલીસે ભૂમિકાબેન સહિત પાંચ આરોપીઓ વિરૂધ્ધ કલમ ૩૦ર, ૩ર૩, ૩૪ર, ૧૪૬, ૧૪૭, ૧૪૮, ૧૪૯, ૧ર૦(બી), ૩૮, પ૦૬(ર), જીપીએકટ ૧૩પ મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ છે. આ હત્યા કેસના બનાવ અંગે માણાવદરના પીએસઆઈ સી.વાય. બારોટ દ્વારા કાર્યવાહી હાથ ધરી અને આરોપીઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કરેલ છે.

error: Content is protected !!