ગુનાહીત પ્રવૃતિ થતી અટકાવવા જૂનાગઢ પોલીસ દ્વારા અનેકવિધ પગલા

0

વિવિધ ગુનામાં સંડોવાયેલા આરોપીની સઘન પુછપરછ કરાઈ

જૂનાગઢ જિલ્લાના અલગ-અલગ પોલીસ સ્ટેશનના ટોપ ૨૦ માથાભારે ઇસમો તેમજ બે કે તેથી વધુ મિલ્કત સબંધી ગુનામાં સંડોવાયેલા આરોપીની ઓળખ અને પૂછપરછની કામગીરી હાથ ધરાઇ હતી. જિલ્લામાં ગુનાખોરી, અસામાજીક પ્રવૃત્તિ, ગંભીર તેમજ મિલ્કત સબંધી ગુના અટકે તે માટે રેન્જ આઇજીપી નિલેશ જાજડીયા,એસપી હર્ષદ મહેતાએ આવા આરોપીઓ ઉપર મોનીટરીંગ રાખવા ખાસ સૂચના આપી હતી. આ સૂચનાના પગલે આવા આરોપીની શોધખોળ હાથ ધરાઇ હતી. દરમિયાન જિલ્લાના તમામ ડિવીઝનના ડીવાયએસપી,એલસીબી પી.આઇ. એસઓજીના પીઆઇ તેમજ તમામ થાણા અધિકારી અને સ્ટાફે હાજર રહી તમામ આરોપીના ઘરે જઇ તપાસ હાથ ધરી હતી. પોલીસ તપાસમાં કુલ ૩૮૪ આરોપી પૈકી ૩૬ આરોપી વિવિધ ગુનામાં જેલ હવાલે છે. જ્યારે ૨૨૮ આરોપી હાજર મળી આવતા તેને જૂનાગઢ પોલીસ હેડ ક્વાર્ટર ખાતે હાજર રાખી તેમના ગુનાહિત ઇતિહાસની પૂછપરછ કરી તમામ પોલીસને આરોપીના ગુનાહિત ઇતિહાસથી માહિતગાર કરી ગુનેગારોની ઓળખ કરાવી હતી જેથી આરોપી ઉપર પુરતી વોચ રાખી શકાય અને ગુનાહિત પ્રવૃત્તિ આચરતા અટકાવી શકાય. આ તકે એસપી હર્ષદ મહેતાએ આરોપીને ભવિષ્યમાં કોઇપણ ગુના ન આચરે તે માટે કડક તાકીદ કરી હતી. સાથે તેમના પરિવારના ઉજ્જવળ ભવિષ્ય માટે સારા માર્ગ ઉપર ચાલી સમાજમાં સીમા ચિન્હરૂપ દાખલો બેસાડવા પણ માર્ગદર્શન આપવામાં આવેલ હતું.

error: Content is protected !!