પિતૃઓના મોક્ષાર્થે વહેલી સવારથી જ ભાવિકો દામોદર કુંડ ખાતે ઉપસ્થિત રહી અને વિદ્વાન બ્રહ્મદેવોના માર્ગદર્શન હેઠળ પિતૃતર્પણ વિધી સહિતના કાર્યક્રમોમાં ભાગ લેશે
આવતીકાલે આરાવારનો પ્રારંભ થતો હોય જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રભરમાં વિવિધ ધાર્મિક સ્થળોએ તેમાંય ખાસ કરીને જૂનાગઢમાં દામોદર કુંડ, પ્રભાસ-પાટણ, પ્રાચી તીર્થધામ વિગેરેએ પિતૃઓના મોક્ષાર્થે ભાવિકો ઉમટી પડશે અને જયાં તર્પણ વિધી સહિતના કાર્યક્રમો યોજવામાં આવશે અને પોતાના પિતૃઓના આત્માની શાંતી માટે વિધીવિધાન સાથે ધાર્મિક ક્રિયા કર્મ કરવામાં આવશે અને આ અંગે ધાર્મિક સ્થળોએ આજથી દુર-દુરથી ભાવિકો ઉમટી રહ્યા છે.
ભગવાન શિવજીની પૂજા-અર્ચના અને તેમની ભકિતના અનેરા મહિમા વર્ણવતા શ્રાવણ માસનો જૂનાગઢ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ભાવિકોએ ભજન, ભકિત અને સેવામાં વ્યતીત કર્યો ભોળાનાથ સમક્ષ ભાવિકોએ પોતાની પ્રાર્થનાઓ રજુ કરી અને આ ભોળીનાથ પણ ભકતજનો ઉપર કૃપા વરસાવી રહ્યા છે. દરમ્યાન ગઈકાલે શ્રાવણ માસનો અંતિમ સોમવાર હોય તે નિમિતે સમગ્ર સૌરાષ્ટ્રના શિવમંદિરોમાં અનેકવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. શ્રાવણ માસની પુર્ણાહુતી અને સમાપનના કાર્યક્રમો યોજાયા હતા અને આવતીકાલથી ભારતીય સંસ્કૃતિ અને ધાર્મિક પરંપરા અનુસાર પોતાના સ્વજનોના આત્માના કલ્યાણ માટે પીપળે પાણી રેડવા ત્રણ દિવસ કાર્યક્રમો થશે. આ ઉપરાંત જૂનાગઢ ખાતે આવેલા સુપ્રસિધ્ધ દામોદર કુંડ કે જે પિતૃઓના મોક્ષ માટે વિધીવિધાન કરવા માટેનું શ્રેષ્ઠ સ્થળ ગણાઈ છે અને ભાવિકોના હૃદયમાં પણ દામોદર કુંડ પ્રત્યે અનેરી લાગણી છે ત્યારે દામોદર કુંડની પાવનકારી જગ્યા ખાતે કાયમને માટે ભાવિકોનો પ્રવાહ રહેતો હોય છે અને દામોદર કુંડ ખાતે ઉપસ્થિત વિદ્વાન બ્રહ્મદેવો દ્વારા વિધીવિધાન કરવામાં આવે છે. દરમ્યાન આવતીકાલથી ત્રણ દિવસ સુધી આરાવાર યોજાશે એટલે કે આવતીકાલ બુધવાર, ગુરૂવાર અને શુક્રવાર ત્રણ દિવસ સુધી ભાવિકોનો પ્રવાહ દામોદરકુંડ ખાતે ઉમટી પડશે અને પિતૃતર્પણ વિધીના કાર્યક્રમોમાં ઉપસ્થિત રહી અને ભાવપુર્વક પિતૃતર્પણ વિધી કરશે. આ ઉપરાંત ધાર્મિક સ્થળોએ આવેલા પીપળાના વૃક્ષને પાણી રેડી અને પિતૃઓની તૃશા મિટાવશે અને તેઓના આર્શિવાદ પ્રાપ્ત કરશે.