કેશોદ નજીક આવેલાં કોયલાણા ગામે રહેતા અને ખેતીકામ કરી ગુજરાન ચલાવતાં જીતેન્દ્રસિંહ ઉદુભા રાયજાદાને પોતાની પત્ની સાથે ઘરકંકાસ ચાલતો હોય ગઈકાલે સાંજના સમયે રકઝક થતાં આવેશમાં આવી જઈ ઘરમાં પડેલી કુહાડી વડે હુમલો કરી હત્યા નિપજાવી ભાગી છુટયા હતાં. કેશોદ પોલીસ સ્ટેશન કંટ્રોલ રૂમમાં જાણ કરવામાં આવતાં કેશોદ પોલીસ સ્ટેશનનાં પોલીસ ઈન્સપેક્ટર બી. બી. કોળી પોલીસ હેડ કોન્સ્ટેબલ કિરણભાઈ જીવાભાઈ ડાભી. સંજયસિંહ કૃષ્ણસિંહ ઝાલા. રોહિતભાઈ મોહનભાઈ ભંભાણા સહિત પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે પહોંચી પ્રાથમિક તપાસ હાથ ધરી હતી જેમાં મૃતક મહિલા અન્નપૂર્ણાબા જીતેન્દ્રસિંહ રાયજાદા (ઉ.વ.૪૦)નાં માવતર ચાપાબેરાજા જામનગર ખાતે રહે છે અને મૃતકના પરિવારમાં એક પુત્ર (ઉ.વ.૧૮) અને એક પુત્રી (ઉ.વ.૧૭)હોવાનું જાણવા મળ્યું છે. કેશોદ પોલીસ દ્વારા મૃતદેહને ખાનગી એમ્બ્યુલન્સ મારફતે કેશોદ સબ ડિસ્ટ્રીકટ સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા હતાં. કેશોદ પોલીસ દ્વારા મૃતક મહિલાનાં નાના ભાઈ વિરેન્દ્રસિંહ નટુભા જાડેજાએ નોંધાવેલ ફરિયાદ મુજબ અન્નપૂર્ણાબાનાં લગ્ન વર્ષ ૨૦૦૩માં કોયલાણા મુકામે જીતેન્દ્રસિંહ ઉદુભા રાયજાદા સાથે થયેલા હતાં. મૃતક મહિલા અન્નપૂર્ણાબા જીતેન્દ્રસિંહ રાયજાદા માવતરે આવતાં જતાં ત્યારે જણાવતાં હતાં કે પોતાનો પતિ દારૂ પીને વગર કારણે અવારનવાર મારામારી કરતાં ઉપરાંત શંકા કુશંકા કરી માર મારી ઘરેથી કાઢી મુકતાં હતાં. મૃતક મહિલાનાં ભાઈઓ આવી સમજાવી સમાધાન કરી પરત સાસરે મુકી જતાં હતાં અને મૃતક મહિલા અન્નપૂર્ણાબા જીતેન્દ્રસિંહ રાયજાદા મુંગા મોઢે સહન કરતાં હોય અને આર્થિક સંકડામણ ઉભી થાય તો માવતરેથી પૈસા મંગાવી ઘરસંસાર ચલાવી રહ્યાં હતાં.થોડા દિવસો પહેલાં ફરિયાદીનાં ઘરે મકાનનું વાસ્તુ હોય ત્યારે મૃતક મહિલા અન્નપૂર્ણાબા ભાણો પુષ્પરાજ,ભાણી મયુરીબા ગયેલા ત્યારે પણ આરોપી જીતેન્દ્રસિંહ ઉદુભા રાયજાદા શંકાઓ કરી મારઝૂડ કરતો હોવાની વાત કરી હતી છતાં પણ માવતરના લોકોએ સમજાવીને મોકલી આપી હતી. ગઈકાલે સાંજના સમયે બનાવ બન્યા બાદ મૃતક મહિલા અન્નપૂર્ણાબાનાં પતિએ જ ફોન કરી તેમનાં સાળાને જાણ કરી કહ્યું હતું કે તમારી બહેનને મેં મારી નાખેલ છે મૃતક મહિલા અન્નપૂર્ણાબાનાં બન્ને ભાઈઓ અને પરિવારજનો કેશોદ સબ ડિસ્ટ્રીકટ સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચી પોતાના બહેનનો મૃતદેહ નિહાળી ભાંગી પડ્યા હતાં અને સમગ્ર હકીકત કેશોદ પોલીસ વિભાગનાં ડીવાયએસપી બી. સી. ઠક્કર પોલીસ ઈન્સપેક્ટર બી. બી. કોળીને જણાવી પોતાના જ બનેવી જીતેન્દ્રસિંહ ઉદુભા રાયજાદા વિરુદ્ધ ક્રુર અને ઘાતકી રીતે મરણતોલ માર મારી સ્થળ પર જ મોત નીપજાવેલ છે જે બાબતે ફરિયાદ નોંધાવતા કેશોદ પોલીસ દ્વારા આઈપીસી એકટ ૩૦૨ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને પોતાની જ પત્નીની હત્યા કરનાર પતિને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.