વેરાવળ ફેઝ-૨ મત્સ્ય બંદર વિકસાવવાના કામો ઓક્ટોબર-૨૦૨૫માં પૂર્ણ કરાશે : મત્સ્યોદ્યોગ મંત્રી રાઘવજી પટેલ

0

ગીર સોમનાથ જિલ્લામાં રૂપિયા ૭૦૦ કરોડના ખર્ચે વેરાવળ, સુત્રાપાડા, માઢવાડ બંદરના કામો પ્રગતિ હેઠળ : વેરાવળ ફેઝ-૨ના વિકાસ થકી ૪,૫૦૦જેટલી બોટને સુવિધા મળશે : ૪૨,૦૦૦ લોકોને સીધી રોજગારી મળશે : ડીપ-સી ફિશીંગ માટેની કામગીરી ઝડપથી શરૂ થાય એ માટે રાજ્ય સરકારના પ્રયાસો ચાલુ
રાજ્યના મત્સ્યોદ્યોગ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું કે, રાજ્યમાં માછીમારોના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. રાજ્યમાં ૧,૬૦૦ કિલોમીટર દરિયાકાંઠે માછીમારી પ્રવૃત્તિનો વ્યાપ વધે અને બંદરોનો વિકાસ થાય એ માટે પણ સતત પ્રયાસો ચાલુ છે. તેના ભાગરૂપે વેરાવળ ફેઝ-૨ મત્સ્ય બંદર વિકસાવવાની કામગીરી ઓક્ટોબર-૨૦૨૫ સુધીમાં પૂર્ણ કરાશે. વિધાનસભા ખાતે વેરાવળ ફેઝ-૨ મત્સ્ય બંદર વિકસાવવાની કામગીરીના પ્રશ્નના પ્રત્યુત્તરમાં મંત્રીએ ઉમેર્યું કે, તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મત્સ્યોદ્યોગ અને માછીમારોના સર્વાંગી વિકાસ માટે જે પ્રયાસો હાથ ઘર્યા હતા જેના પરિણામે મત્સ્ય ઉત્પાદનમાં નોંધપાત્ર વધારો થયો છે. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ વિવિધ બંદરોના વિકાસની કામગીરી પ્રગતિ હેઠળ છે. ગીર સોમનાથ જિલ્લામાં અંદાજીત રૂપિયા ૭૦૦ કરોડના ખર્ચે વેરાવળ, સુત્રાપાડા અને માઢવાડ બંદરોના કામો પ્રગતિ હેઠળ છે. આ કામો લાંબાગાળા સુધી માછીમારોને લાભ થાય એ મુજબ ગુણવત્તા યુક્ત થાય એની સંપૂર્ણ તકેદારી રાખવામાં આવે છે. તેમણે ઉમેર્યું કે, વેરાવળ ફેઝ-૨ પ્રોજેક્ટના વિકાસ થવાથી નવી ૪,૫૦૦ જેટલી બોટોને સુવિધા ઉપલબ્ધ થશે. તેમજ બારમાસી માછીમારીની સુવિધા પણ મળશે. આ બંદર વિકાસ થકી આશરે ૪૨ હજાર જેટલા લોકોને સીધી રોજગારી મળશે. તેમણે કહ્યું કે ૧,૬૦૦ કિલોમીટર દરિયા કિનારા ઉપર માછીમારો ડીપ-સી ફિશીંગ કરી શકે તે માટે અભ્યાસ ચાલુ છે. જે ટૂંક સમયમાં શરૂ થાય તેવા અમારા પ્રયાસો છે તેમ તેમણે ઉમેર્યું હતું.

error: Content is protected !!