કેશોદ નગરપાલિકામાં ભાજપના પ્રમુખ ઉપપ્રમુખની સર્વાનુમતે વરણી

0

કેશોદ નગરપાલિકાનાં પ્રમુખ લાભુબેન નિરંજનભાઈ પીપલીયા અને ઉપપ્રમુખ ગૌરાંગભાઈ વ્યાસની અઢી વર્ષની મુદત પૂરી થતાં કેશોદ નગરપાલિકા સભાખંડમાં નાયબ કલેકટર કિશન ગરચરની અધ્યક્ષતા હેઠળ ખાસ સાધારણ સભા મળી હતી જેમાં વહીવટી તંત્રનાં ચીફ ઓફિસર મુકેશભાઈ વાઘેલા,નાયબ મામલતદાર રોહિતભાઈ ડાભી, ઓફિસ સુપ્રિટેન્ડેન્ટ પી એચ વિઠ્ઠલાણી જાેડાયા હતાં. જેમાં સતાધારી પક્ષ ભાજપનાં ચુંટાયેલા ૩૦ સભ્યોમાંથી ૨૯ સભ્યો અને કોંગ્રેસ પક્ષના છ સભ્યોમાંથી પાંચ સભ્યો હાજર રહ્યા હતાં. ભારતીય જનતા પાર્ટી દ્વારા કેશોદ નગરપાલિકાનાં પ્રમુખ તરીકે મેહુલભાઈ ગોંડલીયા અને ઉપપ્રમુખ તરીકે જીવીબેન ભોપાળા કારોબારી સમિતિનાં ચેરમેન તરીકે અજયભાઈ ઉમેદભાઈ કોટકનાં નામનું મેન્ડેડ આપતાં સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. કેશોદ નગરપાલિકામાં પચ્ચીસમાં પ્રમુખ તરીકે મેહુલભાઈ ગોંડલીયાનું નામ જાહેર થતાં જ જયશ્રી રામનાં નારા ગુંજવા લાગ્યા હતા. કેશોદ નગરપાલિકામાં પ્રથમ અઢી વર્ષ માટે પણ વોર્ડ નંબર એક નાં પ્રમુખ અને વોર્ડ નંબર આઠનાં ઉપપ્રમુખ તરીકે સતા સંભાળી હતી ત્યારે ફરીથી એજ વોર્ડ એજ વિસ્તારને ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રતિનિધિત્વ આપ્યું છે. કેશોદ પોલીસ સ્ટેશનનાં પોલીસ સબ ઈન્સપેકટર ડી. એચ. વાળા સહિત પોલીસ સ્ટાફ દ્વારા બંદોબસ્ત જાળવ્યો હતો. કેશોદ નગરપાલિકાનાં પ્રમુખ મેહુલભાઈ નાનજીભાઈ ગોંડલીયાએ જાહેર જીવનની કારકિર્દી વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ તરીકે જવાબદારી સંભાળી સમગ્ર સૌરાષ્ટ્રમાં સૌથી લાંબી શોભાયાત્રા રામનવમી નિમિત્તે સફળતાપૂર્વક કાઢવામાં આવતાં કદાવર નેતા તરીકે ઉભરી આવ્યા હતાં અને પ્રથમ વખત નગરપાલિકાનાં સભ્ય તરીકે ચુંટાઈ આવ્યા બાદ પ્રમુખપદ મેળવ્યું છે. કેશોદ નગરપાલિકાનાં નવનિયુક્ત પ્રમુખ મેહુલભાઈ ગોંડલીયાની વરણી કરવામાં આવતાં શહેરનાં મુખ્ય માર્ગો પર વિશાળ જનમેદની વચ્ચે સરઘસ કાઢવામાં આવ્યું હતું.

error: Content is protected !!