દાતાર બાપુના ઉર્ષ મેળાનો આગામી સોમવારથી થશે પ્રારંભ

0

જૂનાગઢ નજીક આવેલા ઉપલા દાતારબાપુની જગ્યા ખાતે બિરાજતા પૂજય દાતાર બાપુના ઉર્ષના મેળાની ઉજવણી દર વર્ષની જેમ આ વર્ષે પણ ખુબ જ ભાવભેર અને ઉત્સાહભેર કરવામાં આવશે. કોમી એકતાના પ્રતિક સમા પૂજય દાતાર બાપુના ઉર્ષના મેળામાં હજારો ભાવિકો દર્શનાર્થે આવતા જે અંગેની તૈયારી હાથ ધરવામાં આવી છે. દાતારની ટેકરી ઉપર ૩,૦૦૦ પગથિયે આવેલ ઉપલા દાતાર બાપુના ચાર દિવસીય ઉર્ષ મેળાનો સોમવાર ૨૫ સપ્ટેમ્બરથી પ્રારંભ થશે. જગ્યાના મહંત પૂ. ભીમબાપુની નિશ્રામાં આ મહાપર્વ ઉર્ષને રંગેચંગે ઉજવવા સેવકો દ્વારા તૈયારીઓ થઈ રહી છે. વર્ષમાં એક વખત મહાપર્વ ઉર્ષ ઉજવવામાં આવે છે. ૨૫ સપ્ટેમ્બર સોમવારની રાત્રિના દાતાર બાપુની ગુફામાંથી ૧૮ આભૂષણો જે દાતાર બાપુ પહેરતા હતા તે બહાર કઢાશે અને તેની સંદલવિધી-પૂજા કરાશે. બાદમાં આ આભૂષણો ભાવિકોના દર્શન માટે રખાય છે અને વ્હેલી સવારે એ આભૂષણો પરત ગુફાની અંદર પધરાવી દેવામાં આવે છે. ત્યારબાદ ઉર્ષના બીજાે દિવસ આરામનો હોય છે. બુધવારના રાત્રિના મેંદી યાને કે દીપમાળાનો કાર્યક્રમ યોજવામાં આવે છે. જેમાં દાતાર બાપુની ગુફા અને દાતારની જગ્યામાં દીપ પ્રગટાવીને દિવાળી જેવો માહોલ સર્જાય છે. ત્યાર પછીના દિવસોમાં મહાપર્વ ઉર્ષમાં ભાવિકો દાતારની ટેકરીના ૩,૦૦૦ પગથિયા ચડી દાતાર બાપુના દર્શન કરે છે. ઉર્ષમાં આવેલ ભાવિકો માટે બંને ટાઈમ ભોજન-પ્રસાદની વ્યવસ્થા જગ્યાના મહંત દ્વારા કરવામાં આવે છે. દાતારના દર્શને પધારતા બહારગામના ભાવિકો માટે નીચે વિલિંગ્નડ ડેમ પાસે પટેલબાપુ ધામ આશ્રમ ખાતે નિવાસ કરવાની વ્યવસ્થા કરાઇ છે.

error: Content is protected !!