દેવભૂમિ દ્વારકા જિલ્લામાં નિયમિત વરસાદ ના અભાવે અનેક ખેડૂતો પરેશાન થઇ રહ્યા છે. ત્યારે છેલ્લા દોઢેક મહિના દરમિયાન અહીં વરસાદ ન થતાં ખેડૂતોમાં ચિંતાની લાગણી પ્રસરી છે.
અનાવૃષ્ટિ, અતિવૃષ્ટિ અને કમોસમી વરસાદના કિસ્સામાં મુખ્યમંત્રી સહાય યોજના હેઠળ ખેડૂતો સહાય મેળવવા પાત્ર છે. જેમાં અનાવૃષ્ટિના કિસ્સામાં નિયમ અનુસાર તાલુકા મહેસુલ રેન ગેજ મુજબ જે તાલુકામાં સીઝનનો ૧૦ ઇંચથી ઓછો વરસાદ પડેલો હોય અથવા રાજ્યમાં ચોમાસુ શરૂ થાય ત્યારથી ૩૧ ઓગસ્ટ સુધીના સમયગાળામાં બે વરસાદ વચ્ચેનું અંતર ૪ અઠવાડિયા અથવા ૨૮ દિવસ વરસાદ પડેલ ન હોય એટલે કે સતત શૂન્ય વરસાદ હોય જેના લીધે ખેતીના વાવેતર થયેલ પાકને નુકસાન થયું હોય, તેને દુષ્કાળ અથવા અનાવૃષ્ટિનું જાેખમ ગણવામાં આવે છે. જે તાલુકાનો અનાવૃષ્ટિમાં સમાવેશ કરવામાં આવે, ત્યાં ખેડૂતોને નિયમ અનુસાર ૩૩ થી ૬૦ ટકા સુધી નુકસાન હોય તેવા કિસ્સામાં પ્રત્યેક એક્ટર રૂ. ૨૦,૦૦૦ ચાર એક્ટરની મર્યાદામાં ચૂકવવાની જાેગવાઈ છે. તે બાબત અહીંના આમ આદમી પાર્ટીના કાર્યકરોએ રજૂ કરી, દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકા સહિત ગુજરાતના ૨૩૫ થી વધારે તાલુકામાં આ વર્ષે ૩૧ ઓગસ્ટ પહેલા ૩૦ દિવસથી વધારે સમયથી વરસાદ પડ્યો ન હોવાથી દેવભૂમિ દ્વારકા જિલ્લાના તમામ તાલુકાઓને દુષ્કાળગ્રસ્ત જાહેર કરી, તાત્કાલિક ધોરણે અહીંના ચારેય તાલુકાઓને મુખ્યમંત્રી કિસાન સહાય યોજના હેઠળ તમામ ખેડૂતોને સહાય ચૂકવવામાં આવે તે માટે મુખ્યમંત્રીને સંબોધીને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું.