કોમી એકતાના પ્રતિક સમાન ઉપલા દાતારની ધાર્મિક જગ્યામાં દાતારબાપુના મહાપર્વ ઉર્ષના મેળાની ભાવભેર ઉજવણી કરવામાં આવી રહી છે. જેના પગલે ગઈકાલે સોમવારે ચંદનવિધીનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં દાતારબાપુની ગુફામાંથી અમૂલ્ય આભૂષણો બહાર કાઢી જેની વિધી કરવામાં આવી હતી. જે કાર્યક્રમ અંતર્ગત ગુફામાં રહેલા આભૂષણો વર્ષમાં માત્ર એક જ વખત બહાર કાઢવામાં આવે છે અને તેને ગંગાજળ અને વિવિધ પવિત્ર જળ અર્પણ કરીને પૂજનવિધી કરવામાં આવી હતી અને ત્યારબાદ આ આભૂષણોને દર્શનાર્થીઓ માટે ખુલ્લા રાખવામાં આવ્યા હતા. આમ દર્શન બાદ વહેલી સવારે આભૂષણોને ફરીથી ગુફામાં પ્રસ્થાપિત કરવામાં આવ્યા હતા. આ ચંદનવિધી બાદ આજે એક દિવસનો આરામ હોય છે અને ત્યારબાદ બુધવારે એટલે કે આવતીકાલે મહેંદી એટલે કે દિપમાળાનો કાર્યક્રમ યોજાશે. પૂ. ભીમબાપુની નિશ્રામાં ઉર્ષનો મેળો ભાવભેર ઉજવાય રહ્યો છે અને મહાપર્વ ઉર્ષના મેળામાં ભાવિકો મોટી સંખ્યામાં દાતારબાપુના દર્શન માટે ઉમટી પડે છે.(તસ્વીર ઃ વિજય ત્રિવેદી)