ગુજરાત સરકાર અને પ્રવાસન વિભાગ દ્વારા જૂનાગઢને નવલા નજરાણાની ભેટ અપાઈ છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે ઉપરકોટનું લોકાર્પણ થયા બાદ ગઈકાલે એટલે કે તા.ર૯ થી ઉપરકોટને મુલાકાતીઓ માટે ખુલ્લો મુકવામાં આવેલ હતો અને આ પ્રથમ દિવસે જ અધધ કહી શકાય એટલા લોકોએ ઉપરકોટની મુલાકાત લીધી હતી. અંદાજીત ૭ હજારથી પણ વધુ લોકોએ ઉપરકોટની મુલાકાત લઈ પોતાના પ્રતિભાવો પણ વ્યકત કર્યા હતા અને અદભુત, અમેઝીંગ, વાઉ જેવા ઉદગારો મુલાકાતીઓમાં ઉઠવા પામ્યા હતા. દરમ્યાન ગઈકાલે લોકોનો ભારે ઘસારો હોય એ દરમ્યાન ઉપરકોટ લખાયેલું ટાઈટલને થોડું નુકશાન થયું હોવા હતું પરંતુ તાત્કાલીક અસરથી ઉપરકોટ ખાતે રહેલા અધિકારીઓ તેમજ કંપનીના મેનેજર વિગેરેની ટીમે તાત્કાલીક ચાંપતા પગલા લઈ ઉપરકોટ લખાયેલા ટાઈટલને યથાવત રીતે ગોઠવી આપેલ છે અને તાત્કાલીક અસરથી રિપેરીંગ થઈ ગયું છે. વિશેષમાં આગામી તા.ર ઓકટોબરે માત્ર વિદ્યાર્થીઓને જ પ્રવેશ આપવામાં આવશે.