દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પ્રથમ એવી ભરવાડ સમાજના વિદ્યાર્થીઓ માટે ખંભાળિયા ખાતે બોયઝ હોસ્ટેલના નિર્માણ અંગેનું જ્ઞાતિજનો દ્વારા આયોજન થઈ રહ્યું છે. તે માટે ખંભાળિયામાં પોરબંદર રોડ ઉપર આવેલી ભરવાડ સમાજની જગ્યા ખાતે બોયઝ હોસ્ટેલ બનાવવાના હેતુથી જ્ઞાતિના ટ્રસ્ટી મંડળ તથા જિલ્લાના આગેવાનોની પ્રથમ બેઠક તાજેતરમાં યોજવામાં આવી હતી.
જેમાં હોસ્ટેલ માટે બનાવવામાં આવેલા પ્લાન અંગે ચર્ચા તેમજ આ સ્થળ પર આગેવાનો-હોદ્દેદારો દ્વારા સ્થળ મુલાકાત કરી, અહીં વિવિધ મુદ્દે ચર્ચાઓ કરવામાં આવી હતી. આ બેઠકમાં આગામી દિવસોમાં સમાજના લોકોને એક મીટીંગનું આયોજન કરવા બાબતે સવિસ્તૃત ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. એટલું જ નહીં, આગામી તારીખ ૨૯ ઓક્ટોબરના રોજ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભરવાડ સમાજની બેઠકનું આયોજન કરવાનું સર્વાનુમતે નક્કી કરવામાં આવ્યું છે.
આ પછી તમામ લોકોને સંમતિ બાદ આ જગ્યા પર જ્ઞાતિના વિદ્યાર્થીઓ માટેની હોસ્ટેલનું ખાત મુહૂર્ત કરવામાં આવશે. જ્ઞાતિના યુવાનોમાં શિક્ષણની જ્યોત જગાવવા માટે ઉત્સાહપૂર્વક ઉપસ્થિત રહેલા યુવાનો, વડીલો તેમજ ટ્રસ્ટીઓમાં આવકાર સાથે હકારાત્મક અભિગમ જાેવા મળ્યો હતો.