ગીર સોમનાથ ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી નિર્મિત રેડ ક્રોસ બ્લડ ડોનેશન સેન્ટર અને આરોગ્યભવનનું આગેવાનો હસ્તે લોકાર્પણ કરાયુ

0

ગુજરાત ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી અને દાતાઓના આર્થિક સહયોગથી ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી ગીર સોમનાથ જિલ્લા શાખા દ્વારા જિલ્લાનું પ્રથમ વેરાવળમાં આરોગ્ય ભવન અને રેડ ક્રોસ બ્લડ ડોનેશન સેન્ટરનો લોકાર્પણ સમારોહ યોજાયો હતો. જેમાં ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી ગુજરાત રાજ્ય શાખા ચેરમેન અજયભાઈ પટેલ સહિત સાંસદ રાજેશ ચુડાસમા સહિતના જનપ્રતિનિધિઓની ઉપસ્થિત રહ્યા હતા. વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકા દ્વારા નિર્મિત ડો. આંબેડકર કમ્યુનિટી હોલ આરોગ્ય સેવાઓ માટે અનુદાનિત કર્યો છે જ્યાં ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટી દ્વારા આરોગ્ય સેવા ભવનમાં કોમ્પોનન્ટ બ્લડ સેન્ટર, ફિઝીયોથેરાપી સેન્ટર, ડેન્ટલ ક્લિનિક, પેથોલોજી લેબોરેટરી, પ્રધાનમંત્રી જનઔષધિ કેન્દ્ર, ફર્સ્ટએઇડ ટ્રેનીંગ સેન્ટર, ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટ્રેનીંગ સેન્ટર, જુનિયર તથા યુથ રેડ ક્રોસ પ્રવૃત્તિઓ, બ્લડ ડોનેશન તથા મેડીકલ કેમ્પ, થેલેસેમિયા અવેરનેસ એન્ડ પ્રિવેન્સન સહિતની આરોગ્યલક્ષી સેવાઓ ઉપલબ્ધ થશે. આ તકે ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી રાજ્ય ચેરમેન અજયભાઈ પટેલે જણાવ્યું હતું કે, આ રેડક્રોસ ભવન વેરાવળ સહિત ગીર સોમનાથના આસપાસના ગ્રામ્ય વિસ્તારોને પણ આશીર્વાદ સમાન બની રહેશે. મધ્યમવર્ગના અને ગરીબ લોકોને રાહતદરે આરોગ્યલક્ષી સેવાઓ મળી રહેશે અને લાભ થશે વળી પ્રધાનમંત્રી જનઔષધિ કેન્દ્રના કારણે રાહતભાવે દવાઓ પણ પ્રાપ્ત થશે તેમજ ફિઝિયોથેરાપી સહિતની સેવાઓ મળશે. આમ નિષ્ણાંત સ્ટાફ દ્વારા આરોગ્ય સેવાઓનો લાભ લેવા અપીલ કરી હતી. આ તકે સ્વ.રમેશ મસાણી સ્મૃતિ (રક્તદાન પ્રેરણા એવોર્ડ), ચક્ષુદાન, ઓર્ગન ડોનેટ કરનાર પરિવારનું તેમજ રક્તદાન કરનાર વ્યક્તિઓનું પણ સન્માન કરાયું હતુ.
આ કાર્યક્રમમાં પૂર્વ મંત્રી જશાભાઈ બારડ, રાજશીભાઈ જાેટવા, ધારાસભ્ય ભગવાનભાઈ બારડ, પાલિકા પ્રમુખ પલ્લવીબેન જાની, જિલ્લા વિકાસ અધિકારી અને ઈન્ડીયન રેડ ક્રોસ સોસાયટી ઉપપ્રમુખ રવિન્દ્ર ખતાલે, અગ્રણી ઝવેરીભાઇ ઠકરાર, મહેન્દ્રભાઈ પીઠિયા સહિત ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીના ચેરમેન કિરિટભાઈ ઉનડકટ સહિત તેલંગાણા, હરિયાણા, મધ્યપ્રદેશ સહિત ગીર સોમનાથના સર્વે સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

error: Content is protected !!