ખંભાળિયા સહિત હાલાર પંથકમાં થયેલી અડધો ડઝન જેટલી ચોરી પ્રકરણનો ભેદ ઉકેલાયો

0

ખંભાળિયા, દ્વારકા તથા જામનગર વિસ્તારમાંથી છેલ્લા કેટલાક સમયગાળા દરમિયાન વાહન ચોરી તેમજ કોપર વાયર ચોરીના બનાવ બનવા પામ્યા હતા. આ સંદર્ભે દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયની સૂચના મુજબ સ્થાનિક ગુનાશોધક શાખાની પોલીસ દ્વારા વિવિધ દિશાઓમાં તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હતા.
જેના અનુસંધાને એલ.સી.બી. વિભાગના પી.આઈ. કે.કે. ગોહિલના માર્ગદર્શન હેઠળ સ્ટાફ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં એલ.સી.બી.સ્ટાફને મળેલી ચોક્કસ બાતમીના આધારે ખંભાળિયા તાલુકાના પીર લાખાસર ગામેથી આ જ ગામના સંધી નવાઝ જુમા દેથા અને જામનગર જિલ્લાના લાલપુર તાલુકા નજીકના પડાણા પાટીયા ખાતે રહેતા કાસમ રત્ના ભારવાડીયા નામના બે શખ્સોને દબોચી લઈ, તેની આગવી ઢબે પૂછપરછ કરતા તેઓ દ્વારા કરવામાં આવેલી વિવિધ ચોરીની તેઓએ કબુલાત આપી હતી. આ શખ્સો દ્વારા ખંભાળિયામાંથી મોટરસાયકલ, દ્વારકા પંથકમાંથી કોપર કેબલ વાયર તેમજ જામનગરમાંથી પણ આ જ પ્રમાણે વિવિધ ચોરીઓ કરી હોવાની કબુલાત પોલીસ સમક્ષ આપી હતી. આ રીઢા તસ્કરો પાસેથી રૂપિયા ૩૦,૦૦૦ ની કિંમતના જુદા જુદા બે મોટરસાયકલ, રૂપિયા ૪૫,૦૦૦ જેટલી કિંમતના કોપર વાયર, ચોરી માટે ઉપયોગમાં લીધેલું રૂપિયા ૨૫,૦૦૦ ની કિંમતનું સ્ટનર બાઈક, સહિત કુલ રૂપિયા ૧,૦૧,૭૪૪ નો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો છે.
આ પ્રકરણમાં વધુ એક આરોપી સલીમ આદમ સુંભણીયા (રહે. સલાયા) કે જેની અટકાયત કરવાની બાકી છે, તેની સાથે આરોપી નવાઝ સંધિ અહીંના નવાપરા વિસ્તારમાંથી ચોરેલા મોટરસાયકલ તેમજ આ ત્રણ આરોપીઓએ ખંભાળિયા તાલુકાના મહાદેવીયા ગામેથી તેમજ દ્વારકા તાલુકાના વાંચ્છું નજીકથી ઉપરાંત લાલપુર તાલુકામાંથી કોપર વાયર ચોરી કરી હોવાની કબુલાત પોલીસ સમક્ષ આપી હતી.

error: Content is protected !!