ભત્રીજાના લગ્ન માટે છોકરી શોધી આપવાની લાલચ આપી માળિયાના વડાળા ગામના પ્રૌઢ સાથે મહિલા અને ૧ ઈસમે ૧.૩૦ લાખની છેતરપિંડી આચરી હોવાની પોલીસમાં ફરિયાદ થઈ છે. આ અંગેની વિગતો એવી છે કે, માળીયાહાટીના તાલુકાના વડાળા ગામે રહેતા દિનેશભાઈ મોહનભાઈ ચાવડાગોર ઉર્ફે દવેને તેમના ભત્રીજા નિકુંજના લગ્ન કરવા હોય તેથી તેમનો જામનગર ખાતે રહેતા હસન ઉર્ફે રજાક રહેમાન શેખનો સંપર્ક થયો હતો. આ ઈસમે નિકુંજના લગ્ન માટે છોકરી શોધી આપવાની લાલચ આપીને રૂપિયા ૧૦૦૦નું ગુગલ પે કરાવ્યું હતું. આ પછી તેણે બે છોકરીઓ બતાવી હતી પરંતુ ઉંમરમાં મોટી હોવાથી દિનેશભાઈએ ના પાડી હતી. આ પછી હસન ઉર્ફે રજાક ગત ૧૮ ઓગસ્ટના રોજ મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના ડીંડોરી ગામની સંધ્યા વિલાસભાઈ બદાદી નામની છોકરીને વડાળા ખાતે લાવ્યો હતો. આ છોકરી ભત્રીજા ની ઉંમરની હોય જેથી દિનેશભાઈએ ભત્રીજા ના લગ્ન કરવા હા કહી હતી પરંતુ હસનભાઈએ છોકરીના લગ્ન કરવા માટે રૂપિયા ૧.૩૦ લાખ આપવા જણાવ્યું હતું. જેથી પ્રૌઢે એટલી રકમ આપતા સંધ્યા સાથે ભત્રીજાના લગ્ન કરવામાં આવેલ. હિન્દીભાષી સંધ્યા સાથે તેના કુટુંબનો છોકરો પણ આવ્યો હતો. આ ઇસમ સોમનાથ જવાનું કહીને દિનેશભાઈના ઘરે રોકાયો હતો. દરમ્યાન રાત્રિના ત્રણ વાગ્યે બધા સુતા હતા ત્યારે સંધ્યા અને તેનો કુટુંબી નાસી ગયા હતા. આ અંગે ફરિયાદ નોંધાવતા માળીયા પોલીસે હસન ઉર્ફે રજાક અને સંધ્યા વિરૂદ્ધ છેતરપિંડીનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.