જૂનાગઢના ગેરકાયદેસર બાંધકામો અંગે નોટીસ નહીં પરંતુ બુલડોઝર ફેરવવા માંગ

0

ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જૂનાગઢની મુલાકાત દરમ્યાન સત્તાધીશોને સ્પષ્ટપણે ગેરકાયદેસર બાંધકામો અને વોંકળા ઉપરના દબાણો દુર કરવા જણાવી દીધું હતું તેમ છતાં જૂનાગઢ મનપાનું તંત્ર લોલીપોપની માફક નોટીસો ઉપર નોટીસો ફટકારે છે. પરંતુ આ નોટીસો આપવાથી કંઈ થતું નથી અને ગેરકાયદેસર બાંધકામ કરનારાનો વાળ પણ વાંકો થતો નથી તેવું જનતા ખુલ્લેઆમ બોલી રહી છે. તાજેતરમાં જ એક સોશ્યલ મિડીયામાં એવા વાયરા વહેતા થયા હતા કે જૂનાગઢમાં સૌ જાણે છે કે, ગેરકાયદેસર બાંધકામ કયાં થયું છે? કોણે કર્યુ છે? અને શું કામ પગલા લેવાતા નથી? તે બાબતથી જનતા માહિતગાર છે. મુખ્યમંત્રી જૂનાગઢ આવ્યા અને પ્રજાની ફરીયાદોના સીલસીલામાં તેઓએ લોકોની તરફેણ કરતા હોય તે રીતનું ઉદ્‌બોધન કર્યુ અને ગુજરાતના મુખ્યમંત્રીએ તમામ જવાબદારી જૂનાગઢ મનપાના કમિશ્નર, મેયર, ડે.મેયર તેમજ જીલ્લા કલેકટર અને વહીવટી તંત્રને માથે નાખી દીધી છે અને થોડામાં ઘણું કહેવામાં આવે તો તેઓને ગેરકાયદેસર બાંધકામો અથવા તો વોંકળાના દબાણો દુર કરવા લીલીઝંડી પણ આપી દીધી છે. બીજીતરફ મનપાના ટાઉન પ્લાનીંગ અધિકારી દ્વારા ૯૯થી વધુ નોટીસો પાઠવવામાં આવી છે પરંતુ આ આવી નોટીસોનો સીલસીલો તો અવાર-નવાર ચાલુજ રહયો હોય છે પરંતુ નકકર કામગીરી કરે નકકર પગલા આજ દિવસ સુધી લેવાયા નથી. ગેરકાયદેસર બાંધકામો દુર થવાનું તો દુર રહયું પરંતુ નવા અનેક પેશકદમીથી થયેલા બાંધકામો સતત વધી રહયા છે અને જૂનાગઢને ફરી એકવાર આફતમાં મુકી દેનાર આ બાંધકામોની આ સમસ્યાને દુર કરવા કોઈ અસરકારક પગલા લેવાશે કે નહીં? તે તરફ જનતાની મીટ છે. અહીં એક તસ્વીર દર્શાવવામાં આવી છે. આ તસ્વીર ઝાંઝરડા ચોકડીથી આગળ જે બાંધકામ થઈ રહયું છે તેની આ તસ્વીર છે. અને વોકળાથી તદન નજીક આ બાંધકામ થઈ રહયું છે. ત્યારે તેની સામે સવાલો ઉઠવા પામ્યા છે કે આ થઈ રહેલા બાંધકામ અંગેની મંજુરી મનપાના કયા અધિકારીએ આપી છે? અને કોના કહેવાથી આ મંજુરી અપાઈ છે તે અંગેનું પોસ્ટમોર્ટમ કરી અને જે તે જવાબદાર અધિકારી અને આ કામગીરી કરવા માટેનું દબાણ કરનારા સામે પણ કડક પગલા ભરવાની માંગણી આમ જનતામાંથી ઉઠી રહી છે. વિશેષમાં મહાનગરપાલિકા શું કામગીરી કરે છે? લોકોની સમસ્યાથી માહિતગાર છે કે કેમ? તેમજ પ્રજાની ફરીયાદોને ઘોળીને પી જાય છે કે કોઈ કામગીરી બતાવી છે? તે અંગેનો એક જાહેર રીપોર્ટ જનતા સમક્ષ મુકવા પણ માંગણી ઉઠવા પામી છે. સ્વચ્છતા અભિયાનમાં જાણે ફેશન પરેડમાં આવ્યા હોય તે રીતે સજી-ધજીને આવેલા નેતાઓએ હાથમાં સાવરણા પકડીને સફાઈનું ખાલી ડીંડક કર્યુ હોવાનું પણ કહેવામાં આવી રહયું છે. અગાઉ પણ થોડા વર્ષો પહેલા સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું અને આપણું શહેર કલીન શહેરના નેજા હેઠળ સારો એવો ખર્ચ કરવામાં આવ્યો હતો. તત્કાલીન કમિશ્નર તુષાર સુમેરાના સમયગાળા દરમ્યાન સ્વચ્છ જૂનાગઢ અંતર્ગત સારી એવી કામગીરી થઈ હતી પરંતુ એ કામગીરીમાં પણ ખુબજ ખર્ચ થયો હોવાના આંકડા હજુ પણ મનપા કચેરીએ સચવાયેલા પડયા છે. કહેવાનો મતલબ એ છે કે, જયારે પણ ગુજરાત સરકાર કોઈ નવી યોજના જાહેર કરે પછી તે ગાંધી જયંતિ અંતર્ગત સ્વચ્છતા અભિયાન હોય કે અન્ય કોઈ કામગીરી જૂનાગઢના નેતાઓનો ઝમેલો પછી તે નાનો કાર્યક્રમ હોય કે મોટો કાર્યક્રમ કે પ્રજાના સેવકો, કોર્પોરેટરો, સાંસદ, ધારાસભ્યથી લઈ જૂનાગઢ જીલ્લાના પ્રભારી પણ આ બધામાં જાેડાતા હોય છે અને જાણે ફેશન પરેડમાં આવી અને ફકત ફોટા પડાવવાની જ કામગીરી કરતા હોય તેવું જનતાને લાગી રહયું છે. ર૦ જુને જૂનાગઢમાં જલ પ્રકોપ થયો હતો એવી ઘટના ફરીવાર ન બને તે માટે જે તૃટીઓ અને જે પાપ બહાર આવ્યુું છે એટલે કે વોકળાઓને દબાવી દેવાનું, નદીઓને ટુંકી કરી નાખવાનું, નરસિંહ મહેતા સરોવરને સાંકળું કરી નાખવાનું, આ બધીજ પ્રક્રીયાને પરિણામે લોકોની માથે ગંભીર ખતરો તોળાઈ રહયો છે અને જાે આવા દબાણો ન થયા હોત, નદીઓને સાંકળી કરવામાં ન આવી હોત કે નરસિંહ મહેતા સરોવરની ઉંડાઈની ક્ષમતા ઘટાડવામાં ન આવી હોત તો જનતાને માથે કોઈ ભય ન હતો. આ બધીજ બાબતો જનતા સમક્ષ ખુલી છે ત્યારે હવે આવી આફત ફરીવાર ન ટકરાય તે માટે સત્તાધીશોએ પણ કડક પગલા લેવાની આવશ્યકતા અને માંગણી આમ જનતામાંથી ઉઠી રહી છે.

error: Content is protected !!