જૂનાગઢ શહેરમાં આવતા ડ્રગ્સને રોકવા કડક કાર્યવાહી : ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિત ૪૦૦ જવાનો દ્વારા તપાસનો ધમધમાટ
જૂનાગઢ શહેરમાં થોડા દિવસો પહેલા ઝાંઝરડા ચોકડી પાસેથી મેફેડ્રોન ડ્રગ્સ પકડાયું હતું અને જેમાં પકડાયેલા શખ્સો વિરૂધ્ધ ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને આ કાર્યવાહી અંતર્ગત કેટલીક ચોંકવાનારી વિગતો બહાર આવી હતી અને એક તકે એવું પણ બહાર આવ્યું હતું કે જૂનાગઢ શહેરમાં સારા પરિવારના યુવાનો ડ્રગ્સની ચુંગાલમાં ફસાયેલા છે અને જે ચિંતાજનક બાબત બની રહી છે. દરમ્યાન જૂનાગઢ રેન્જના ડીઆઈજી નિલેશ જાંજડીયા તથા જીલ્લા પોલીસ વડા હર્ષદ મહેતાની રાહબરી હેઠળ આજે આંત્રોલીથી ચોરવાડની દરિયાઈ પટ્ટી ઉપર સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. ૪૦૦ જેટલા જવાનો અને ઉચ્ચ અધિકારીઓ કાફલો આ કામગીરી કરી રહ્યા છે. આ અંગે વિશેષમાં પ્રાપ્ત થતી વિગત અનુસાર, આંત્રોલીથી ચોરવાડની ૪૦ કિમી લાંબી દરિયાઈ પટ્ટી ઉપર શંકાસ્પદ પ્રવૃત્તિ રોકવા શનીવારની સવારથી પોલીસ વિભાગ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવનાર છે. એસપી હર્ષદ મહેતાની જાત દેખરેખ હેઠળ ૧૦ પોઇન્ટ ઉપર પોલીસ અધિકારીઓ સહિત ૪૦૦ જવાનો સર્ચ કરશે. અગાઉ સોરઠના દરિયાઈ વિસ્તારમાંથી મોટા જથ્થામાં માદક દ્રવ્યોનો જથ્થો હાથ લાગ્યો હતો. અને કેટલીક શંકાસ્પદ પ્રવૃત્તિઓ પણ આવી હતી. આથી આવી બાબતનું પુનરાવર્તન થાય નહીં. તે માટે ડીઆઈજી નિલેશ જાજડીયાની સૂચનાથી એસપી હર્ષદ મહેતા દ્વારા આંત્રોલીથી ચોરવાડ સુધીના ૪૦ કિમીના દરિયાઈ વિસ્તારમાં પેટ્રોલિંગ સાથે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવશે. પોલીસ સુત્રોમાંથી પ્રાપ્ત માહિતી મુજબ આ કાર્યવાહીનો પ્રારંભ સવારે ૭ના ટકોરે થશે. પોલીસ અધિકારીઓ સહિત ૩૦૦ થી ૪૦૦ જવાનો ૧૦ પોઇન્ટ ઉપર દરિયાઈ સીમા ફેંદી મારશે. એક ટીમ ૩ થી ૪ કિલોમીટરના દરિયાઈ વિસ્તારની ૧-૧ ઇંચ જમીન દરિયાઈ સીમા ચકાસશે. સવારે ૭થી બપોર સુધી પેટ્રોલિંગ અને સર્ચ ઓપરેશન કરીને ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે. માંગરોળ ડિવિઝનના ડીવાયએસપી દિનેશ કોડીયાતરે જણાવ્યું હતું કે, આજે શનિવારની વહેલી સવારથી શરૂ થયેલ સર્ચ ઓપરેશન અને પેટ્રોલિંગમાં માંગરોળ ડિવિઝન હેઠળના સીપીઆઈ, પીઆઈ, પીએસઆઈ સહિતનો સમગ્ર સ્ટાફ ઉપરાંત એલસીબી, એસઓજી સહિતની એજન્સીઓના અધિકારીઓ અને જવાનો જાેડાયા છે. જૂનાગઢ શહેરમાં ડ્રગ્સને રોકવા આંત્રોલીથી ચોરવાડની દરિયાઈ પટ્ટી ઉપર ચેકિંગ અભિયાન હાથ ધરાયું છે.