જૂનાગઢ ખાણ ખનીજ વિભાગ દ્વારા ખનીજ ચોરો ઉપર તવાઇ : ૧ માસમાં રર લાખનો કરાયો દંડ

0

જૂનાગઢ જીલ્લા કલેકટરના સુચના અંતર્ગત ખાણ ખનીજ વિભાગની ટીમો દ્વારા ખનીજ સંપતિ ચોરી કરનારાઓ સામે કડક કાર્યવાહી કરી અને એક જ માસમાં રર લાખનો દંડ વસુલ કરેલ છે તેમજ જવાબદારો સામે પગલા ભરવામાં આવ્યા છે. જૂનાગઢ ખાણ ખનિજ વિભાગની ખનીજ ચોરો ઉપર તવાઇ ઉતરી છે. માત્ર સપ્ટેમ્બર માસમાં જ ત્રાટકી ખનીજ ચોરો પાસેથી ૨૧,૦૦,૦૦૦નો દંડ વસુલ કર્યો છે. એટલું જ નહિ ખનીજ ચોરીમાં વપરાયેલા ડમ્પર, ટ્રક, ટ્રેકટર સહિત ૨૨ લાખના વાહનો ઝપ્ત કરાયા છે. ખાણ ખનીજ વિભાગની આ કામગીરીથી ખનીજ ચોરોમાં ફફડાટ વ્યાપી ગયો છે. આ અંગે મળતી વિગત મુજબ જૂનાગઢ જિલ્લામાં બેફામ બનેલા ખનીજ ચોરો સામે કડક કાર્યવાહી કરવા જિલ્લા કલેકટરે આદેશ કર્યો હતો. જેના પગલે જિલ્લા ભુસ્તરશાસ્ત્રી દ્વારા ખનીજ ચોરી અટકાવવા તેમજ ખનીજ ચોરો સામે આકારા પગલાં ભરવા ગત સપ્ટેમ્બર માસ દરમ્યાન ક્ષેત્રીય ટિમોને કામગીરી સોંપાઇ હતી. આ ટીમ દ્વારા જૂનાગઢ જિલ્લામાં સતત રાત દિવસ સખત ચેકીંગ તેમજ તપાસની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ કામગીરી અન્વયે જૂનાગઢ જિલ્લાના ચોરવાડ, ગડુ, કેશોદ, વંથલી, માંગરોળ, મેંદરડા તેમજ જૂનાગઢ શહેર જેવા વિવિધ સ્થળોએ ખનીજ ચોરી થતી હોવાનું જાણવા મળતા કાર્યવાહી હાથ ધરાઇ હતી. આ કામગીરીમાં ડમ્પર, ટ્રક તેમજ ટ્રેક્ટર જેવા કુલ ૨૨ વાહનો સાદિ રેતી, બ્લેક ટ્રેપ, બિલ્ડીંગ લાઈમ સ્ટોન તેમજ સિલિકા સેન્ડ જેવા ખનીજાેનું બિન અધિકૃત રીતે વહન કરતા હોય તેઓને પકડી પાડી વાહનો સીઝ કરવામાં આવેલ છે. એટલું જ નહી આવા ખનીજ ચોરો પાસેથી ખાણ ખનીજ જૂનાગઢની કચેરી દ્વારા બિન અધિકૃત વહન સબબ આશરે ૨૧ લાખ રૂપિયાના દંડકીય રકમની પણ વસુલાત કરવામાં આવેલ છે. જિલ્લામાં ખનીજ ચોરો સામે હજુ પણ આકરા પગલાં ભરવા આગળ પણ આ પ્રકારના સતત ચેકીંગ અને દંડનીય કામગીરી કરવામાં આવશે તેમ ભુસ્તર શાસ્ત્રી, જૂનાગઢ દ્વારા જણાવાયું છે. જૂનાગઢ જિલ્લામાં મોટાભાગે બિલ્ડીંગ લાઇમ સ્ટોન, સાદી રેતી, બ્લેક ટ્રેપ વગેરે ખનીજની ચોરી થાય છે. જૂનાગઢ જિલ્લામાં બાંધકામ ઉદ્યોગ મુખ્ય હોય ઓછી મહેનતે વધુ નાણાં કમાઇ લેવાની લાલચમાં ખનીજ ચોરો ગેરકાનુની પ્રવૃત્તિ કરે છે.

error: Content is protected !!